Surendranagar Crime News: ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે એક યુવકને પ્રેમની સજા મોત મળી છે. યુવકને સમાધાન માટે બોલાવી યુવતીના સગાએ યુવકને ઝેરી દવા પીવડાવી ગળેફાંસો આપી હત્યા કરી મૃતદેહ રઝળતો મુકી ફરાર થતાં પોલીસે તાત્કાલિક આરોપીઓને જેલના સળીયા ગણતા કરી દીધા છે.
ADVERTISEMENT
ખેતરમાંથી મળ્યો હતો મૃતદેહ
મળતી માહિતી અનુસાર, ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે ખેતરમાં એક મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા અને પોલીસને ઘટનાની જાણ થતાં નાની મોલડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
ઝેરી દવાની મળી આવી હતી બોટલ
પોલીસે પ્રાથમિક તપાસ કરતા મૃતદેહ નજીકથી એક ઝેરી દવાની બોટલ પણ મળી આવી હતી અને તપાસમાં ખુલ્યું હતું કે આ મૃતદેહ ઢોકળવા ગામના લાખાભાઇ ગઢવીનો છે અને તેઓ રાજકોટથી તેમના વતન આવ્યા હતા. પોલીસે તપાસ હાથ ધરતા લાખાભાઇની હત્યા થયેલ હોવાનું તેઓના સ્વજનોએ જણાવ્યું હતું.
પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ
આ અંગે સુરેન્દ્રનગર DYSP ચેતન મુંધવાએ જણાવ્યું કે, મૃતકના સ્વજનોએ જણાવ્યું કે તેઓને રાતના સમયે ગામના જ રાજેશભાઈ માણસુરભાઈનો ફોન આવતા લાખાભાઈ મળવા માટે ગયા હતા, જે બાદ તેઓએ પરત આવ્યા નહોતા અને તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
તપાસમાં થયો ખુલાસો
તેઓએ જણાવ્યું કે, પોલીસે મૃતક લાખાભાઈના સ્વજનની ફરિયાદ લેતા તેમણે ગામના જ કેટલાક લોકો સામે આક્ષેપ કર્યા હતા અને લાખાભાઈને ગામની એક યુવતી સાથે પ્રેમ સંબધ હોઈ અને સમાધાન માટે બોલાવેલ હોઈ જે માથાફુટમાં હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું.
6 આરોપીઓએ કરી હત્યા
DYSP ચેતન મુંધવાએ કહ્યું કે, પોલીસે શંકમદ આરોપીઓ (1) રાજેશભાઈ માણસુરભાઈ મામૈયા (2) રવુભાઈ ખીમાભાઈ મામૈયા (3) ભાવેશ રતાભાઈ મામૈયા (4) વિપુલ સામતભાઈ મામૈયા (5) લાખાભાઈ દિનેશભાઈને ઝડપી આકરી પુછપરછ કરતા તેઓએ કબુલાત આપી હતી કે અમો પાંચ આરોપીઓ સહિત મુકેશ મમૈયા સહિત છ આરોપીઓએ યુવક લાખાભાઈને ફોન કરીને પ્રેમ સંબંધ બાબતે વાડીએ બોલાવી મુઢ માર મારી પરાણે ઝેરી દવા પીવડાવી હતી અને ગળેફાંસો આપી હત્યા કરી હતી. જે બાદ વાડીના શેઢે મૃતદેહ નાખીને બાજુમાં ઝેરી દવાની બોટલ મુકી હતી, જેથી પોલીસને આપઘાત લાગે. હાલ પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે તેમજ હજુ મુકેશ નામનો છઠ્ઠો આરોપી નાસી છુટેલ હોઈ તેને ઝડપવા કવાયત હાથ ધરી છે.
છઠ્ઠા આરોપીને પોલીસે શરૂ કરી
રાજકોટમાં રહી કોલેજમાં અભ્યાસ કરતા યુવકને પ્રેમ સંબંધમાં પોતાનો જીવ આપવો પડ્યો છે. હવે પોલીસ આરોપીઓ પાસેથી શું નવા ખુલાસાઓ કરે છે અને પ્રેમ સંબધ રાખવા માટે યુવકને મોતને ઘાટ ઉતારનાર આરોપીઓને હવે કાયદો શું સજા આપે છે તે જોવું રહ્યું...
રિપોર્ટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર
ADVERTISEMENT