નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર કામોના ખાતમૂહર્ત અને લોકાર્પણનો વરસાદ કરી રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા માટે 92 લાખ રૂપિયાના ખર્ચે 4 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રીના હસ્તે બોડેલી ખાતે કરવામાં આવ્યું હતું. લોકાર્પણને 10 દિવસ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાંય છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહી છે.
ADVERTISEMENT
એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું પણ લોકોને ના મળી
છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં ગરીબ આદિવાસી લોકોને આઈ.સી.યુની સુવિધા વાળી 4 એમ્બ્યુલન્સ CSR ફંડ દ્વારા 92 લાખના ખર્ચે છોટાઉદેપુર જિલ્લા માટે એમ્બ્યુલન્સ આવી હતી. જેનું બોડેલી ખાતે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 10 દિવસ પહેલા ફૂલોના શણગાર કરી મંત્રીએ લોકાર્પણ કર્યાને ફૂલો પણ પડ્યા પડ્યા કરમાઈ ગયા પરંતુ હજુ લોક ઉપયોગી બની નથી. એક તરફ સરકાર આદિવાસી મતદાન મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે બીજી તરફ સરકાર લોકાર્પણ કરી અને લોકોને ઉપયોગી ન બને તેવી સ્થિતિનું નિર્માણ કરે છે. આ એમ્બ્યુલન્સ શોભના ગાંઠિયા સમાન બની છે.
ઉપયોગ ક્યાં કરવો તેનો કોઈ નિર્ણય ન લેવાયો
4 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરી અને જિલ્લા વિકાસ અધિકારીને એમ્બ્યુલન્સની ચાવી સોંપવામાં આવી હતી. બોડેલી ખાતે ફોટો સેશન કરાવ્યા બાદ તમામ એમ્બ્યુલન્સ છોટાઉદેપુર ખાતે જિલ્લા પંચાયત ભવન ખાતે લઈ જવામાં આવી આ એમ્બ્યુલન્સને 10 દિવસ વીતી ગયા હોવા છતાંય જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહી છે. એમ્બ્યુલન્સ હજુ કોઈ સ્થળે ન ફાળવવી કરાતા લોકાર્પણ વખતે શણગાર કરેલા ફૂલો પણ સુકાઈ ગયા પણ તેનો ઉપયોગ ક્યાં કરવો તેનો કોઈ નિર્ણય હજુ લેવાયો નથી. આ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન આઈ.સી.યુની જરૂરિયાતો દર્દીને પડે છે. એમ્બ્યુલન્સના ડ્રાઇવરની ભરતી કરવામાં આવે અને તેનો ઉપયોગ ક્યારે થશે તે રાહ જોવી રહી.
ADVERTISEMENT