Bharuch News: આપણે કોઈ ભૂલ કરીએ તે ચાલી જાય કે સમાધાન થઈ શકે પણ ક્યારેક ડોકટરની એક ભૂલ અથવા ઉતાવળ દર્દીનો જીવ જોખમમાં મૂકી દે છે. ભરૂચના જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રસૂતિમાં સીઝર ઓપરેશન દરમિયાન ડોક્ટર કોટનનું કપડું મહિલાના પેટમાં જ ભૂલી ગયા હતા. 2 મહિનાથી દર્દથી પીડાતી મહિલાના પેટમાંથી છેવટે આ કપડું સુરતની ખાનગી હોસ્પિટલના ડોકટરોએ કાઢયું હતું. હાલ મહિલા અને તેમના પતિએ આ મામલે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસ ગુનો દાખલ કરી ડોક્ટર સામે કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
જંબુસરની હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત રહેતાં શૈલેષભાઈ સોલંકીના લગ્ન જંબુસર ખાતે રહેતા અમિષાબેન સાથે થયાં હતાં. તેમના પત્ની અમિષાબેન ગર્ભ રહેતાં તેઓ તેમના પિયર જંબુસર આવી ગયા હતા. જે બાદ ગત 22 સપ્ટેમ્બરના રોજ અમિષાબેનને પ્રસુતિ માટે જંબુસરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પેટમાં દુખાવો થતાં આપી દવાઓ
જંબુસરની હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.ચાર્મી આહીરે અમિષાબેનનું સિઝેરીયન ઓપરેશન કર્યું હતું. ઓપરેશન બાદ અમિષાબેનનું પેટ ફૂલાઈ ગયું હતું અને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો, જેથી ડોક્ટર ચાર્મી આહીરે તેમને દવા આપી હતી.
સોનોગ્રાફીમાં થયો ખુલાસો
ડિલિવરી બાદ અમિષાબેન સુરત ચાલ્યા ગયા હતા. જ્યાં તેમના પેટમાં સતત દુખાવો રહેતા તેઓએ ડોક્ટર પાસે જઈને સોનોગ્રાફી કરાવી હતી. જેમાં જે સામે આવ્યું તે જાણીને શૈલેષભાઈને અને અમિષાબેન તથાં તેમના પરિવારજનો હચમચી ગયા હતા. સોનોગ્રાફી કરાવતાં અમિષાબેનના પેટમાં કપડું રહી ગયું હોવાનું માલુમ પડ્યું હતું.
ડોક્ટરે મામલો દબાવવાનો કર્યો પ્રયાસ
જે બાદ તેઓએ આ મામલે ચાર્મી આહીરનો સંપર્ક કર્યો હતો. તેમણે તેમની હોસ્પિટલમાં પુરતા સંસાધન ન હોવાનું કહીને બચવાનો પ્રયાસ કર્યો હતો. જેથી શૈલેષભાઈ તેમના પત્નીને લઈને સીધા સુરતની ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ડોક્ટરોએ ઓપરેશન કરીને તેમના પેટમાંથી કપડુ બહાર કાઢ્યું હતું.
દંપતીએ નોંધાવી પોલીસ ફરિયાદ
સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડો. ચાર્મી આહીરની ગંભીર બેદરકારી જણાતાં તેમણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ દંપતીમાં ડોક્ટર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
(ઈનપુટઃ ગૌતમ ડોડીયા, ભરૂચ)
ADVERTISEMENT