અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી છે. અમદાવાદમાં ઠેર ઠેર રાજકીય પાર્ટીઓએ પોસ્ટરો અને રાજકીય ચિહ્નોથી દિવાલો ચીતરી નાખી છે. આ વચ્ચે શહેરના સોલામાં દિવાલ પર રાજકીય પાર્ટીના પોલ્ટર ન લગાવવાનું કહેતા કથિત AAPના કાર્યકરોએ મંદિરના ટ્રસ્ટીને ધમકી આપી હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે ટ્રસ્ટીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો?
ઘટનાની વિગતો મુજબ, દિપારામ પ્રજાપતિ સોલા ઓવરબ્રિજ પાસે આવેલા સોલા રણુજા રામાપીરના મંદિરમાં 1992થી ટ્રસ્ટના પ્રમુખ તરીકે કાર્યરત છે. 4 સપ્ટેમ્બરનાર રોજ તેઓ મંદિરને અડીને આવેલી ઓફિસમાં બેઠા હતા. આ દરમિયાન મંદિરના ગેટની સામે બ્રિજની દિવાલ પર કેટલાક લોકો AAPના પોસ્ટર લગાવી રહ્યા હતા. જેથી દિપારામે ધાર્મિક જગ્યા હોવાથી અહીં રાજકીય પાર્ટીના પોસ્ટર લગાવવાની ના પાડી હતી. જોકે તેમ છતાં આ લોકો પોસ્ટર લગાવીને જતા રહ્યા.
કથિત AAPના કાર્યકરો સામે પૂજારીની ફરિયાદ
બાદમાં સાંજના સમયે 3 જેટલા લોકો મંદિરની ઓફિસમાં ઘુસીને કહ્યું હતું કે, મંદિરની સામે પોસ્ટર લગાવવાની કેમ ના પાડો છો, એકવાર અમારી સરકાર બની જવા દો પછી તમને અહીંથી મારી મારીને ભગાડી દઈશું તેમ કહીને બિભત્સ ગાળો બોલવા લાગ્યા. દિપારામનો આક્ષેપ છે કે, આ ત્રણેય વ્યક્તિઓએ પોતાની ઓળખ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકેની આપી અને સ્ટીકર લગાવવાની ના પાડવા પર હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી. આ સમગ્ર મામલે હવે દિપારામ પ્રજાપતિએ સોલા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT