ભારતીય ખેલાડીઓ વિશે ધડાકા કરનારા ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર Chetan Sharmaનું રાજીનામું

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ (Chetan Sharma) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હાલમાં જ તેનું એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું…

gujarattak
follow google news

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ (Chetan Sharma) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હાલમાં જ તેનું એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું હતું, જે બાદ ઘણો વિવાદ થયો હતો. શુક્રવારે (17 ફેબ્રુઆરી) એ જાણવા મળ્યું કે ચેતન શર્માએ પોતાનું રાજીનામું BCCI સેક્રેટરી જય શાહને મોકલ્યું હતું, તેમણે તેનો સ્વીકાર કરી લીધો છે.

40 દિવસમાં કાર્યકાળ પૂરો થઈ ગયો
ચેતન શર્મા 7 જાન્યુઆરી 2023 ના રોજ ફરીથી BCCIના મુખ્ય પસંદગીકાર બન્યા હતા. આ તેમનો બીજો કાર્યકાળ હતો, પરંતુ આ વખતે તેમનો કાર્યકાળ 40 દિવસમાં પૂરો થયો. આશ્ચર્યજનક વાત એ છે કે ચેતન શર્મા બંને ટર્મમાં પોતાનું પદ ગુમાવી ચૂક્યા છે, ગત ટર્મમાં BCCIએ T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ આખી કમિટીને હટાવી દીધી હતી.

ચેતન શર્મા સ્ટિંગના કારણે વિવાદોમાં આવ્યા હતા
તમને જણાવી દઈએ કે મંગળવારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા એક ટીવી ચેનલની સ્ટિંગ ઓપરેશનમાં પસંદગીના મુદ્દાઓ સાથે જોડાયેલી બાબતોને કથિત રીતે જાહેર કરવાને કારણે વિવાદમાં ફસાઈ ગયા હતા.  બીસીસીઆઈએ તાજેતરમાં ચેતનને બીજી વખત પસંદગી સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે. આ પહેલા ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેને બહાર કરવામાં આવ્યા હતા.

ટીમ ઈન્ડિયા પર ગંભીર ખુલાસાઓ કર્યા હતા
ચેતન શર્માને એક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ પર આક્ષેપ કરતા બતાવાયા હતા. તેમણે કોચ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી સાથેની વાતચીતનો પણ ખુલાસો કર્યો હતો. શર્માએ આરોપ લગાવ્યો હતો કે ખેલાડીઓ 80 થી 85 ટકા ફિટ હોવા છતાં ક્રિકેટમાં ઝડપથી કમબેક કરવા માટે ઈન્જેક્શન લે છે. ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝ માટે બુમરાહની વાપસીને લઈને તેની અને ટીમ વચ્ચે મતભેદો હતા. આ સિવાય ચેતન શર્માએ આ વીડિયોમાં ઘણા મહત્વના ખુલાસા કર્યા હતા, જેના કારણે વિવાદ થયો હતો.

    follow whatsapp