IPL Title Sponsor: IPL 2024ની શરૂઆત થવામાં હવે થોડા મહિનાઓ જ બાકી છે અને આ પહેલા ટાટા ગ્રુપે ફરી એકવાર લીગના ટાઈટલ સ્પોન્સરશિપ અધિકારોને સફળતાપૂર્વક જાળવી રાખ્યા છે. ટાટા ગ્રુપે વર્ષ 2028 સુધી ટાઈટલ સ્પોન્સરશિપ મેળવી છે. ટાટા ગ્રુપ આ સમયગાળા દરમિયાન દર વર્ષે BCCIને 500 કરોડ રૂપિયા ચૂકવશે. ટાટા ગ્રુપ આગામી પાંચ વર્ષ માટે ટાઈટલ સ્પોન્સર તરીકે BCCIને રૂ.2500 કરોડ ચૂકવશે. IPLની ટાઈટલ સ્પોન્સરશિપ મેળવવાની રેસમાં આદિત્ય બિરલા ગ્રુપ પણ હતું, જેણે 2500 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. જોકે, અંતે ટાટા ગ્રુપે એક ખાસ શરત BCCIની સામે મૂકીને આ બાજી જીતી લીધી.
BCCIને રૂ.2500 કરોડ ચૂકવશે ટાટા ગ્રુપ
એક રિપોર્ટ અનુસાર, BCCIએ જ્યારે ટાઈટલ સ્પોન્સર માટે અરજી પ્રક્રિયા શરૂ કરી, ત્યારે તેમાં ઉલ્લેખિત શરતો હેઠળ ટાટા ગ્રુપની પાસે અધિકાર હતો કે જો તે હરાજીમાં સૌથી ઊંચી બોલી લગાવનારી કંપનીની બરાબરી કરવા માંગે છે તો ટાઈટલ સ્પોન્સરના અધિકાર તેને જ મળશે. BCCI દ્વારા ગયા મહિને જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, ત્યારે તેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ જોગવાઈ હેઠળ ટાટા ગ્રુપે આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલી રૂ.2500 કરોડની બોલી જેટલી રકમ ચૂકવવાનો નિર્ણય લીધો અને ટાઈટલ સ્પોન્સરના અધિકાર મેળવ્યા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શુક્રવારે આ નિર્ણય લીધો છે.
વિવો બાદ ટાટાએ મેળવ્યા હતા રાઈટ્સ
તમને જણાવી દઈએ કે, વર્ષ 2022માં વિવો (VIVO)ના ટાઈટલ સ્પોન્સરશિપ ડીલમાંથી ખસી ગયા બાદ ટાટા ગ્રુપે આઈપીએલના ટાઈટલ સ્પોન્સરશિપ રાઈટ્સ મેળવી લીધા હતા. વિવોએ 2018 સિઝનથી ટાઈટલ સ્પોન્સરશિપ અધિકારો મેળવ્યા હતા.
આવનારા સમયમાં વધશે IPLની મેચો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL 2024ની સિઝનમાં કુલ 74 લીગ મેચો રમાશે, જ્યારે BCCI 2025 અને 2026માં લીગ મેચોની સંખ્યા વધારીને 84 અને 2027માં 94 કરી શકે છે.