મેલબર્નઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2022ની સુપર-12ની મેચ આજે રવિવારે બપોરે 1.30 વાગ્યે (ભારતીય સમય પ્રમાણે) રમાશે. તેવામાં એક બાજુ ભારતમાં દિવાળીનો તહેવાર જોરશોરથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ મેલબર્નના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર રોહિત શર્મા એન્ડ કંપની સામે બાબર આઝમની બ્રિગેડ વચ્ચે શાનદાર ટક્કર થશે. જોકે વેધર રિપોર્ટ પ્રમાણે મેલબર્નમાં વરસાદ વરસી રહ્યો હતો અને મેચના દિવસે પણ મેઘરાજા ગેમ બગાડી શકે એમ આગાહી કરાઈ હતી. તો વરસાદ વિલન બન્યો અને મેચ ન રમાઈ તો કેવા સમીકરણો રહેશે તથા રિઝર્વ ડેથી લઈ અન્ય સુપર-12ના નિયમો પર વિગવાર નજર કરીએ…
ADVERTISEMENT
મેલબર્નઃ લેટેસ્ટ વેધર અપડેટ્સ..
અગાઉ વેધર રિપોર્ટ પ્રમાણે 23 ઓક્ટોબર એટલે મેચના દિવસે ધોધમાર વરસાદ ખાબકવાની સંભાવના હતી. પરંતુ અત્યારે લેટેસ્ટ અપડેટ પર નજર કરીએ તો ફેન્સને હાંશકારો થઈ શકે છે. કારણ કે મેલબર્નમાં લાંબા સમયથી વરસાદ પડ્યો નથી તથા અત્યારે વાદળછાયુ વાતાવરણ પણ ઓછુ જોવા મળી રહ્યું છે. તેવામાં આજે તથા આગામી 2 દિવસ સુધી અહીં વરસાદ પડવાની સંભાવના પણ ઓછી જણાઈ રહી છે.
જાણો મેચ પહેલા મેલબર્નમાં કેવું વાતાવરણ રહ્યું…
ભારતીય સમય પ્રમાણે મેલબર્નમાં શનિવારે સવારે લગભગ 6 કલાક સુધી સતત વરસાદ ખાબક્યો હતો. વળી કાળા ડિબાંગ વાદળોથી જાણે મેલબર્ન ઘેરાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તેવામાં એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે રવિવારે ભારત અને પાકિસ્તાન મેચના દિવસે પણ આમા કોઈ ફેરફાર આવશે નહીં. જોકે અત્યારે અચાનક સ્થિતિ બદલાઈ ગઈ છે. કારણ કે રોહિત શર્માએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે મેલબર્નમાં વરસાદ બંધ થઈ ગયો હતો અને તડકો પણ નીકળ્યો હતો એવી માહિતી જાણવા મળી હતી.
Weather.Comના જણાવ્યા પ્રમાણે 23 ઓક્ટોબરે મેલબર્નમાં વરસાદ પડવાની સંભાવના ઓછી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે વેધર રિપોર્ટ જોવા મળ્યા હતા તેમાં 80 ટકા વરસાદ પડવાની સંભાવના જણાઈ રહી હતી, હવે આ ઘટીને 25 ટકા સુધી પહોંચી ગઈ છે. તેવામાં ભારતીય સમય પ્રમાણે આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે, જ્યારે ઓસ્ટ્રેલિયાના સમય પ્રમાણે ત્યાં સાંજનાં 7 વાગ્યા હશે.
મેચ ધોવાઈ ગઈ તો શું બીજીવાર રમાશે?
નોંધનીય છે કે T20 વર્લ્ડ કપની જો સુપર-12 સ્ટેજની વાત કરીએ તો એના માટે કોઈ રિઝર્વ ડે હોતો નથી. જેથી જો વરસાદ ખાબક્યો અને મેચ ન રમાઈ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-12ની આ મેચ ધોવાઈ જ જશે. જેથી ફેન્સ નિરાશ થશે આની સાથે બંને ટીમને 1-1 પોઈન્ટ આપી દેવામાં આવશે. જેને લઈને ભારતના ગ્રુપમાં સેમિફાઈનલ સુધીની સફર પર તમામ ટીમો પર આની અસર થઈ શકે છે. જોકે હજુ સુધી વેધર રિપોર્ટ અને મીડિયા અહેવાલો પ્રમાણે આજે ઓસ્ટ્રેલિયામાં 20થી 25 ટકા જ વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. તેથી બંને ટીમના ફેન્સ એવી જ આશા રાખશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ હાઈવોલ્ટેજ ગેમ જરૂર રમાય.
ADVERTISEMENT