ભાર્ગવી જોશી, જૂનાગઢ: શહેરમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબોને અને જરૂરિયાતમંદ લોકોને ચોખા અને ઘઉં આપવામાં આવે છે પરંતુ કેટલાક લેભાગુઓ આ અનાજનો બારોબાર વેચાણ કરી ભ્રષ્ટાચાર આચરતા હોય છે..વિસાવદરના પ્રાંત અધિકારીએ આવા જ એક કિસ્સામાં શંકાના આધારે તપાસ કરતા બિલખામાં ચોખાનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે વેંચતા હોવાની ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ દરમિયાન અધિકારી અને તેમની ટીમ પર પણ હુમલો થયો હતો.
શું છે આખી ઘટના?
વિસાવદરના પ્રાંત અધિકારી કીર્તન રાઠોડના જણાવ્યા મુજબ જાહેર વિતરણ વ્યવસ્થામાં આપવામાં આવતો માલ ઘઉં અને ચોખાના જથ્થો લોકોને આપવાને બદલે બારોબાર વેંચી દેવામાઅં આવતા હોવાનિ શંકાના આધારે તપાસ કરતા ગોડાઉન અને વાહનોમાં મોટો ચોખાનો જથ્થો મળી આવ્યો છે.
10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
જે અંગે પ્રાંત અધિકારી એ તપાસ કરતા દર મહિને આવતા સરકારી માલને બારોબાર ગોંડલના ગોડાઉનોમાં પહોંચાડી દેવાની કબૂલાત પણ વાહન ચાલક એ કરી છે. તપાસ ટીમ દ્વારા ગોડાઉનમાં ચોખાનો જથ્થો ભરેલી બોલેરો ગાડી પણ જપ્ત કરી છે.જેની બન્નેની અંદાજે કિમત 10 લાખ લેખે થાય છે.
તપાસ અધિકારી પર કરવામાં આવ્યો હુમલો
આ ઘટનાની તપાસ કરી રહેલા પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ સહિતના ટીમના સભ્યો પર બીલખાના ઉપસરપંચ સહિતના લોકોએ જાન લેવા હુમલો પણ કર્યો હતો. જો કે તપાસ ટીમે કાર્યવાહી ચાલુ રાખી ગુનેગારોને પકડવા તજવીજ હાથ ધરી છે. હજુ પણ આ રેકેટમાં કોણ કોણ સામેલ છે અને કેવી રીતે આ કૌભાંડ આચરવાનું કામ ચાલે છે એ અંગે તપાસ કરવામાં આવે તો ઘણા નામો ખૂલે એવી શક્યતા છે. તેથી પ્રાંત અધિકારી કડક બની આ તપાસ કરી રહ્યા છે.