સંજયસિંહ રાઠોડ/સુરત: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણેની આગામી ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં સપડાઈ છે. ફિલ્મમાં દીપિકાએ સોન્ગમાં પહેરેલી ‘ભગવા બિકિની’ પર વિવાદ થયો હતો, જે બાદ દેશભરમાં ઘણી જગ્યાએ હિન્દુ સંગઠનો અને સાધુ-સંતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજંરગ દળ દ્વારા કામરેજમાં આવેલા એક થિયેટરમાં લાગેલા પઠાણ ફિલ્મના પોસ્ટરો ઉતારીને ફાડી નાખવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
કામરેજમાં વિશ્વ હિન્દુ પરિષદનો ભારે વિરોધ
રવિવારે સુરતના કામરેજ ગામમાં આવેલા એક થિયેટરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના 150 જેટલા કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પઠાણ ફિલ્મનો ઉગ્ર વિરોધ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ થિયેટરમાં લાગેલા પઠાણ ફિલ્મના પોસ્ટરોને ઉતારીને ફાડી નાખ્યા હતા તથા ફેંકી દીધા હતા. સાથે જ જય શ્રીરામના નારા લગાવ્યા હતા.
શાહરૂખ નહીં પઠાણ ફિલ્મનો વિરોધ
હિન્દુ સંગઠનના આગેવાન જય પટેલએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા જ અને સિનેમાના મેનેજરને અપીલ કરી હતી કે પઠાણ ફિલ્મના બેનરો કે ફિલ્મ રજૂ ન કરતા. છતાં બેનરો લગાવામાં આવતા હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા શાંતિપૂર્વક વિરોધ કરી બેનરો ઉતારી લેવામાં આવ્યા અને ફાડી નાખવામાં આવ્યા. તેમણે કહ્યું કે, અમારે શાહરૂખ ખાનના વિરોધ નથી, પરંતુ પઠાણ ફિલ્મમાં ભગવા કપડાંને જે રીતે બેશરમ રંગ દર્શાવવામાં આવે છે તેનો વિરોધ કરીએ છીએ. નોંધનીય છે કે, બે દિવસ પહેલા વડોદરામાં પણ આ રીતે હિન્દુ સંગઠનો દ્વારા થિયેટરમાંથી પઠાણ ફિલ્મના પોસ્ટરો ઉતારી લેવાયા હતા અને તેને ફાડી નખાયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
ADVERTISEMENT