સુરત: સુરતમાં બેફામ દોડતા ટેન્કર ચાલકે વધુ એક નિર્દોષ દંપતિનો જીવ લીધો છે. વરીયાથી ઉતરાણ રોડ પર કોરીવાડ ગામ ખાતે બેફામ બનેલા ટેન્કર ચાલકે બાઈકને અડફેટે લઈને 60 ફૂટ સુઘી ઢસડતા દંપતિનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે તેમની સાથે બાઈક પર રહેલા પાડોશીના બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ ગ્રામજનો રોષે ભરાતા તેમણે રસ્તો બંધ કરી દીધો હતો.
ADVERTISEMENT
બાઈક પર દંપતી દીકરાના લગ્નની ખરીદી માટે નીકળ્યું હતું
પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના વરીયાવ રોડ પાસે કારીવાડ ગામની સીમમાં એક ટેન્કરે બાઈક પર જતા દંપતીને ટક્કર મારી હતી. જેથી તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. બાઈક પર 50 વર્ષના સુરેશભાઈ પોતાની પત્ની સાથે જઈ રહ્યા હતા. દંપતીના દીકરાના લગ્ન નજીકમાં હોવાથી બંને અમરોલી ખાતે ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા. એવામાં કાળ બનીને આવેલા ટેન્કરે તેમને અડફેટે લીધા હતા.
ગ્રામજનોએ ટેન્કર ચાલકને પકડીને પોલીસ બોલાવી
બાઈક પર દંપતી સાથે પાડોશીનો બાળક પણ સવાર હતો. તેને પણ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. જોકે અકસ્માત બાદ બાળક ફંગોળાઈ જતા તે બચી ગયો હતો. જ્યારે પતિ-પત્ની 60 ફૂટ સુધી ઢસડીને ટેન્કરના ટાયર તેમના પર ફરી વળ્યા હતા. એકબાજુ દીકરાના લગ્નની તૈયારી કરતા દંપતીને આવું કરુણ મોત મળતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. દંપતીના મોતના પગલે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે અકસ્માત સર્જી ટેન્કર ચાલક ભાગવા જતો હતો પરંતુ લોકોએ તેને પકડીને પોલીસને બોલાવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT