સુરત: સુરતમાં થોડા દિવસ પહેલા એક કારખાના માલિકનો કારીગરોને ધમકી આપતો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં માલિક કારીગરોને કહે છે કે AAP પાર્ટીનો પ્રચાર કરવો નહીં નહીંતર તેમને નોકરીમાંથી કાઢી મૂકશે. જે બાદ આ મુદ્દે ભારે રાજકારણ થયું. ભાજપ દ્વારા આ કારખાના માલિકનું સ્વાગત કરવામાં આવ્યું, તો AAP દ્વારા આ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કરાયો. હવે ડાયમંડ વર્કર યુનિયન આ મુદ્દે આગળ આવ્યું છે.
ADVERTISEMENT
ડાયમંડ વર્કર યુનિયને હીરા માલિકની ધમકીને વખોડી
ડાયમંડ વર્કર યુનિયન વાઈસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે કહ્યું કે, બે દિવસ પહેલા એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં કોઈ એક પક્ષનું નામ લઈને કોઈ એક માલિક કારીગરોને ખુલ્લી ધમકી આપતા હોય તેવું જણાય છે. અમારું એવું માનવું છે કે અમે કોઈ પાર્ટીનું સમર્થન કરતા નથી અને કોઈ પાર્ટીનો વિરોધ કરતા નથી. પરંતુ ભારતનો દરેક નાગરિક પોતાની વિચારધારા મુજબ, દરેક પાર્ટીને સપોર્ટ કરી શકે છે, દરેક પોતાની વિચારધારા મુજબ સોશિયલ મીડિયામાં તેની વાત રજૂ કરી શકે છે.
પોલીસ કમિશનરને હીરા માલિકની ફરિયાદ કરી
તેમણે આગળ કહ્યું, આ એક પ્રકારની ચોખ્ખી ધમકી છે અને જો શાસક પક્ષની વિરુદ્ધ આ પ્રકારનો વીડિયો વાયરલ થાય તો મારા અંદાજ મુજબ અત્યાર સુધીમાં ગુનો નોંધાઈ ચૂક્યો હોત. આજે હું પોલીસ કમિશનરનું ધ્યાન દોરવા આવ્યો છું, ફરિયાદ કરવા આવ્યો છું કે આ વીડિયો વાઈરલ કરનાર વ્યક્તિ તથા માલિક ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે જેથી દરેક નાગરિકનો મતનો અધિકાર જળવાઈ રહે. પોત પોતાની રીતથી દરેક પાર્ટીને સપોર્ટ કરી શકે છે. આગળ અમે ચૂંટણી પંચનું પણ આ બાબતે ધ્યાન દોરીશું કે કારીગરોને આવી ધમકી આપવામાં ન આવે તેમને દબાવવામાં ન આવે.
પાટીલે કમલમમાં હીરા માલિકનું સ્વાગત કર્યું હતું
નોંધનીય છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આ કારખાનેદાર ઉદ્યોગપતિનું સન્માન કર્યું હતું. જે અંગે તેમણે ફોટો પોસ્ટ કરીને જાણકારી આપી હતી. પોતાની પોસ્ટમાં પાટીલે લખ્યું કે, પોતાના કારખાનામાં રેવડી વેચનારની પાર્ટીનો પ્રચાર નહીં કરવાનો તેમજ જો કોઈ કરશે તો તેમને નોકરીમાંથી છુટા કરવામાં આવશે, તેવી જાહેરાત જેમણે સ્વયંભૂ કરી હતી એ સુરતના હીરા ઉદ્યોગપતિ દિલીપભાઈ ઢાપાનું પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભાજપામાં સ્વાગત કર્યું.
જ્યારે આ સમગ્ર મામલે AAPના ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા
ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને કહ્યું કે, નોકરી આપી નથી શકતા અને લોકશાહીમાં પોતાની મરજી મુજબ ક્યાં મત આપવો એનો કોઈ અધિકાર છીનવે અને નોકરીમાંથી છુટા કરવાની ધમકી આપે એનું સન્માન કરીને શું ગુજરાતને ગુંડા રાજમાં ફેરવવા માંગો છો? આવી હલકી માનસિકતા લાવો છો ક્યાંથી? ભાઉના રાજમાં ગુજરાતીઓની નોકરી પણ જઈ રહી છે! ગુજરાતીઓ જાગો.
ADVERTISEMENT