Himachal Pradesh Crisis: રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. હિમાચલ પ્રદેશમાં એક બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનનો વિજય થયો છે, જ્યારે સત્તાધારી પાર્ટી કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી ક્રોસ વોટિંગને કારણે હારી ગયા છે. હિમાચલ પ્રદેશમાં ભાજપ પાસે બહુમતી નહોતી, પરંતુ કોંગ્રેસના છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આ ઉપરાંત ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ કોંગ્રેસને સમર્થન આપ્યું ન હતું, જેના કારણે કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારોને સમાન મતો મળ્યા હતા. એટલે કે કોંગ્રેસ અને ભાજપ એમ બંનેના ઉમેદવારોને 34-34 મત મળ્યા હતા પરંતુ જીત કે હારનો નિર્ણય ટોસ દ્વારા લેવામાં આવ્યો. જેમાં ભાજપના હર્ષ મહાજનનો વિજય થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે મેચ 34-34 મતોથી ટાઈ થયું હતું પરંતુ તે પછી મહાજનને 'ડ્રો' દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ કદાચ પહેલીવાર છે કે રાજ્યસભાની ચૂંટણીના વિજેતાનો નિર્ણય 'ડ્રો' દ્વારા કરવામાં આવ્યો છે. લોકપ્રતિનિધિત્વ કાયદા, 1951ની કલમ 102 હેઠળ ડ્રો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
કોંગ્રેસ સરકારે ગુમાવ્યો જનાદેશઃ જયરામ ઠાકુર
જે બાદ પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરના નેતૃત્વમાં ભાજપના ધારાસભ્યો રાજભવન પહોંચ્યા હતા. આ દરમિયાન હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું હતું કે તાજેતરની ઘટનાઓ સાબિત કરે છે કે કોંગ્રેસ સરકાર પોતાનો જનાદેશ ગુમાવી ચૂકી છે. રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ જયરામ ઠાકુરે કહ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણી બાદ ભાજપના ઉમેદવારની જીત થઈ છે. સરકાર બહુમતીમાં હતી, છતાં અમે જીતી ગયા. હાલમાં સરકારને સત્તામાં રહેવાનો અધિકાર નથી.
સુખવિંદર સિંહ સુખુ આપી શકે છે રાજીનામું
હિમાચલ પ્રદેશમાં આવી ઉઠલ પાઠલ સર્જાશે એવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. પહેલા વીરભદ્ર સિંહના પુત્રએ તેમના પિતાનું અપમાન ગણાવી મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ હવે સીએમ સુખવિંદર સિંહ સુખુએ પણ રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સિંખવિંદર સિંહે રાજીનામું આપ્યું નથી માત્ર પ્રસ્તાવ મુક્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો સુખુએ સરકારને બચાવવા પક્ષ દ્વારા મોકલવામાં આવેલા નિરીક્ષકોની સામે રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો છે. આપને જણાવી દઈએ કે કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાને કોંગ્રેસ દ્વારા નિરીક્ષક તરીકે હિમાચલ મોકલવામાં આવ્યા છે.
ADVERTISEMENT