ચોપડી વગર ભણશે ગુજરાત? સત્ર પૂરું થવા આવ્યું છતાં ચોપડી નથી મળી, શિક્ષણાધિકારીએ હાથ અધ્ધર કરી દીધા

હિતેશ સુતરીયા/ભિલોડા: ગતિશીલ ગુજરાત, શિક્ષિત ગુજરાત, ગુણવત્તા સભર શિક્ષણની મોટી-મોટી ગુલબાંગો વચ્ચે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને આજદિન સુધી ધોરણ.8…

gujarattak
follow google news

હિતેશ સુતરીયા/ભિલોડા: ગતિશીલ ગુજરાત, શિક્ષિત ગુજરાત, ગુણવત્તા સભર શિક્ષણની મોટી-મોટી ગુલબાંગો વચ્ચે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને આજદિન સુધી ધોરણ.8 ગણિતના પાઠ્યપુસ્તકો મળ્યા નથી. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છેલ્લા ઘણા સમયથી ભારે રોષ ભભુકી રહ્યો છે. પરીક્ષા હવે નજીક છે ત્યારે ગણિતનું પાઠ્યપુસ્તક અને વધ-ઘટના પુસ્તકો વિધાર્થીઓને મળ્યા નથી. આ વિશે તો તાલુકા શિક્ષણાધિકારી બોલવા પણ તૈયાર નથી.

10 તારીખે પરીક્ષા છતાં ચોપડીના ઠેકાણા નથી
એક બાજુ ગતિશીલ ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અવનવી યોજનાઓ પાછળ વર્ષે કરોડોનો ખર્ચો કરે છે. બીજી તરફ પાઠ્ય પુસ્તકો વગર
વિદ્યાર્થીઓ કેવી રીતે ભણે તેની મૂંઝવણમાં છે. ગણિત જેવા મહત્વના વિષયનું પાઠયપુસ્તક ન મળતા વિદ્યાર્થીઓ ગયા વર્ષના ગણિત વિષયના પુસ્તક લઈને બે-ત્રણ વિદ્યાર્થી વચ્ચે એક પુસ્તક રાખીને અભ્યાસ કરે છે. અભ્યાસનું આ સત્ર પણ પૂર્ણ થવાને આરે છે. આગામી 10મી ઓક્ટોબરના રોજ વિદ્યાર્થીઓની આ સત્રની પરીક્ષા યોજાવાની છે. જેનું ટાઈમ ટેબલ પણ જાહેર થઈ ગયું છે.

અધિકારીઓએ જવાબદારીમાંથી હાથ અધ્ધર કર્યા
ભિલોડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આ અંગે Gujarat Takએ જ્યારે રૂબરૂ મળીને સવાલ કર્યો તો તેઓ ખાલી એક જ વાતનું રટણ કરતા કરતા જોવા મળ્યા કે, પાઠ્યપુસ્તક રાજ્ય સરકારમાંથી જ આવેલ નથી અને જુના પાઠ્યપુસ્તકથી વિદ્યાર્થીઓ ભણે છે, બાકી તમને જે યોગ્ય લાગે તે તમે લખી શકો છો. તાલુકા શિક્ષણ અધિકારીએ આટલું કહીને જવાબદારીમાંથી છટકી ગયા.

જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી બીપીઓ ગાયત્રીબેનને ફોન કરી સંપર્ક કરાતા તેમણે મીટિંગમાં છું, હું સરકારી કામમાં વ્યસ્ત છું તેમ કહીને ફોન મૂકી દીધો હતો. જે અધિકારીઓને બાળકોના શિક્ષણ માટે મૂકવામાં આવ્યા છે તે જ પોતાની જવાબદારીથી છટકતા જોવા મળ્યા. વિદ્યાર્થીઓની સમસ્યાથી તેમને કોઈ ફરક ન પડતો હોય તેમના પેટનું પણ પાણી હલતું નથી.

    follow whatsapp