રાજકોટ: રાજ્યમાં રખડતા ઢોરના કારણે વધુ એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં ગોપાલ ચોક નજીક સવારે દૂધ લેવા જતા વૃદ્ધને ગાયે અડફેટે લઈને પગ નીચે રગદોળ્યા હતા. સતત 3 મિનિટ સુધી વૃદ્ધને પગ અને શિંગડાથી રગદોળતા અંતે તેમનું કરુણ મોત નિપજ્યું હતું. 8મી નવેમ્બરના રોજ બનેલી આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાને લઈને મૃતક વૃદ્ધના પુત્રએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
દૂધ લેવા નીકળેલા વૃદ્ધને ગાય મોત ન થયું ત્યાં સુધી રગદોળ્યા
ઘટનાની વિગતો મુજબ, સાધુવાસવાણી રોડ પર રહેતા રસિકભાઈ 8મી નવેમ્બરે સવારે દૂધ લેવા નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક ગાયે તેમને અડફેટે લીધા હતા અને તેઓ નીચે પડી ગયા હતા. રસિકાભાઈ નીચે પકડતા જ ગાય તેમને શિંગડા અને પગથી ખૂંદવાનું શરૂ કરી દે છે. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. સ્થાનિક લોકો તેમને બચાવવા માટે દોડ્યા પરંતુ તેમ છતા ગાયે હુમલો ચાલુ રાખ્યો અને 3 મિનિટ સુધી તેમના પર ખૂંદતી રહી.
ગાય માલિક વિરુદ્ધ નોંધાયો ગુનો
આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયેલા રસિકભાઈને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા ડોક્ટર્સે તેમને મૃત જાહેર કરી દીધા હતા. જે બાદ રસિકભાઈના પુત્રએ પોલીસ સ્ટેશનમાં જઈને અજાણી ગાયના માલિક સામે ગુનો નોંધાવ્યો છે. સાથે જ ચીમકી પણ ઉચ્ચારી છે કે પોલીસ કોઈ કડક કાર્યવાહી નહીં કરે તો પોતે માતા સાથે અન્નજળનો ત્યાગ કરીને પોલીસ કમિશનર કચેરીએ બેસી જશે. ત્યારે આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, બીજી તરફ સ્થાનિક લોકોમાં પણ રખડતા ઢોરની સમસ્યાને લઈને રોષ ભભૂકી રહ્યો છે.
ADVERTISEMENT