ઊના: ગુજરાતીમાં આમ તો કહેવત છે કે રામ રાખે એને કોણ ચાખે. જોકે આ કહેવતને સાર્થક કરતો એક ચોંકાવનારો કિસ્સા ઊનામાં સામે આવ્યો છે. અહીં એક યુવકને છેલ્લા 2 વર્ષમાં પગની એક જ આંગળી પર 9 વખત સાપે ડંખ માર્યો છે. જોકે ખાસ વાત એ છે કે દરેક વખતે યુવક મોતના મુખમાંથી બહાર આવી જાય છે. પરંતુ સાપના ભયથી ડરેલો આ યુવક હવે પરિવારના કહેવાથી હવે 540 કિલોમીટર દૂર સુરત ખાતે રહેવા જતો રહ્યો છે.
ADVERTISEMENT
જમણા પગની ત્રીજી આંગળીમાં 9 વખત સાપ કરડ્યો
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઊનાના કંસારી ગામમાં રહેતા મહેશ સરવૈયા નામનો યુવક મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. મહેશને બે વર્ષમાં 9 વખત સાપે ડંખ માર્યો છે. ખાસ વાત એ છે કે દરેક વખતે મહેશના જમણા પગની ત્રીજી આંગળીમાં જ સાપ ડંખ મારતો. ઝેરી સાપના ડંખના કારણે ઘણીવાર તેની સ્થિતિ ગંભીર થઈ હતી જોકે સદનસીબે તે દરેક વખતે તે મોતના મુખમાંથી બહાર આવી ગયો. વારંવાર આ રીતે સાપના ડંખ મારવાના બનાવથી પરિવારના લોકો પણ વિચારમાં પડી ગયા છે અને તેમને પણ આ પાછળનું કારણ સમજાઈ રહ્યું નથી.
ઊનાથી 540 કિ.મી દૂર સુરત રહેવા ગયો
સર્પ દંશથી પરેશાન મહેશના પરિવારે પહેલા તેને મામાના ત્યાં મોકલી દીધો અને તેમને એમ કે હવે મહેશને સાપ ડંખ નહીં મારે. પરંતુ થોડા દિવસોમાં ફરીથી મહેશને પગની ત્રીજા આંગળીમાં સાપે ડંખ માર્યો જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો. વારંવાર બનતી આ ઘટનાથી મહેશના પરિવારજનો પણ હવે ચિંતામાં પડી ગયા છે. ચિંતિત પરિવારજનોએ દીકરા મહેશને હવે ઊનાથી 540 કિલોમીટર દૂર સુરતમાં મોકલી દીધો છે. જ્યાં તે હીરા ઘસવાનું કામ કરે છે. જોકે આવી વિચિત્ર ઘટના પાછળનું કારણ શું છે તેનો જવાબ વનકર્મીઓ અને તબીબો પાસે પણ નથી.
ADVERTISEMENT