અમદાવાદ: રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે હોબાળો ચાલી રહ્યો છે. સરકાર સામે નેતાઓ મેદાને ઉતરી ચૂક્યા છે. ત્યારે હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને આંદોલનકારી નેતા જીગ્નેશ મેવાણીએ આ મામલે સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, સરકારે ચૂંટણી વખતે નારો આપ્યો હતો કે ભરોસાની ભાજપ સરકાર પરંતુ ભરોસાની ભાજપ સરકારે 22 મો પાડો જણ્યો છે.
ADVERTISEMENT
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સતત સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી રહ્યા છે. સરકારે ચૂંટણી વખતે નારો આપ્યો હતો કે ભરોસાની ભાજપ સરકાર પરંતુ ભરોસાની ભાજપ સરકારે ૨૨મો પાડો જણ્યો છે. ગુજરાતના લાખો યુવાનોનું ભવિષ્ય વધુ અંધકારમય બન્યું છે. આ પેપર નહિ પણ ગુજરાતના સામાન્ય પરિવારોમાંથી આવતા બેરોજગાર યુવાનો-યુવતીઓનું કિસ્મત ફૂટ્યું છે.
સરકાર પર ઉઠાવ્યા સવાલો
ગુજરાતના યુવાનોને ન્યાય મળે અને સાચી વિગતો સામે આવે તે માટે ભાજપ સરકાર શ્વેતપત્ર બહાર રજુ કરે તેવી કોંગ્રસ પક્ષ માંગ કરે છે. જેથી ગુજરાતની જનતાને સાચી હકીકત જાણવા મળે કે કેટલા પરીક્ષાના પેપર ફૂટ્યા? છે કેટલા ગુન્હા દાખલ કરવામાં આવ્યા? કેટલી ધરપકડ કરવામાં આવી? કેટલી ચાર્જશીટ કરવામાં આવી? કેટલા કિસ્સામાં સજા થઇ? અને કેટલા જવાબદારને જેલમાં ધકેલાય છે? કૌભાંડીઓને ખાતરી છે કે ગુજરાતના શાસનમાં તેમને કંઇ થવાનું નથી.
ચૂંટણીમાં પેપર ન ફૂટવાની ખાતરી ન આપી
ચૂંટણીમાં ઘણો પ્રચાર કર્યો પણ ભાજપે ક્યાંય પેપર ન ફુટવાની ખાતરી આપી ન હતી. હજુ સુધી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મગનું નામ મરી નથી પાડ્યું. જેઓ અગાઉ પેપર લીક કરતા હતા તેઓ ફરીથી પકડાયા હતા. જે સાબિત કરે છે કે ઔપચારિકતાઓની ઘણી તપાસ કરવામાં આવી રહી છે. નાની માછલીઓને પકડીને તપાસ પૂર્ણ થઈ જાય છે.
ADVERTISEMENT