અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ ખેલાવાનો છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ પુરજોશમાં તૈયારીઓ કરી રહી છે. ત્યારે જાણીતા લોક ગાયક એવા જીગ્નેશ કવિરાજને પણ ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે. તેઓ ઉત્તર ગુજરાતની ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડવાના છે.
ADVERTISEMENT
મહેસાણાની ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડશે
એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જીગ્નેશ કવિરાજે આ બાબતનો ખુલાસો કર્યો હતો. તેઓ પોતાના મૂળ વતન એવા મહેસાણાની ખેરાલુ બેઠક પરથી અપક્ષ તરીકે આ વખતે દાવેદારી નોંધાવશે. હાલમાં તેઓ કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી એવામાં તેઓ ખેરાલુથી ચૂંટણી લડશે તે માહિતી મળતા જ તેમના ચાહકોમાં ખુશીની લાગણી પ્રવર્તી છે.
ગુજરાતમાં સંગીત ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે જીગ્નેશ કવિરાજ
જીગ્નેશ કવિરાજ જાણીતા લોકગાયક છે અને તેમના દાદા, પિતા, કાકા તથા મોટાભાઈ પણ સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. તેમને નાનપણથી જ સંગીતમાં ખૂબ રસ હતો અને નાનપણથી જ તેમણે પોતાની કળાથી ખૂબ નામના મેળવી છે. હાલમાં ગુજરાતભરમાં તેઓ સંગીત ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે. એવામાં તેઓ ચૂંટણી લડવા મેદાનમાં ઉતરશે તો ચોક્કસ પણે ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવારોના મત ચોક્કસપણે તોડશે.
ADVERTISEMENT