વડોદરાઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે વાહનમાં અચાનક ખામી સર્જાતા ગંભીર દુર્ઘટનાના કિસ્સાઓ કાળજુ કંપાવી દે એવા હોય છે. આવી જ એક ઘટના કરજણ ખાતે ઘટી હતી. જ્યાં બ્રેક ફેલ થવાના કારણે ટ્રક ટોલનાકા પાસે ઘુસી ગઈ હતી. જેથી કરીને આસપાસના લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. જોકે આ ઘટનામાં કોને ઈજા પહોંચી છે એ અંગે કોઈ માહિતી બહાર આવી શકી નથી.
ADVERTISEMENT
બ્રેક ફેલ થતા ટ્રક બની બેકાબૂ
કરણજણ ટોલનાકા પાસે ટ્રકની બ્રેક ફેલ થઈ જતા બેકાબૂ બની ગઈ હતી. ડ્રાઈવરે તેના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. આ ટ્રકને રોકવા માટેની ભારે મહેનત છતા ટ્રક ટોલનાકા પાસે આવેલી ઓફિસમાં ઘુસી ગઈ હતી. જોકે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે કોઈની જાનહાનિ થઈ નથી.
સમગ્ર ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા…
નોંધનીય છે કે આ સમગ્ર અકસ્માતના CCTV ફુટેજ સામે આવી રહ્યા છે. જેમાં ઓફિસની અંદર લોકોની અવર જવર થતી જોવા મળી રહે છે. ત્યારે અચાનક દૂરથી બેકાબૂ ટ્રકને આવતી જોતા ઓફિસમાં ભાગદોડ મચી જાય છે. જોતજોતામાં આ ટ્રક ગ્લાસ શિલ્ડ તોડીને ઓફિસમાં ઘૂસી ગઈ હતી અને દિવાલ સાથે અથડાઈ ગઈ હતી.
રામ રાખે તેણે કોણ ચાખે… એક વ્યક્તિએ મહામહેનતે જીવ બચાવ્યો..
CCTV જોતા ટ્રક જેવી રીતે ઓફિસમાં ઘુસી જાય છે ત્યારે સામે એક વ્યક્તિ આવી રહ્યો હોય છે. જોકે તેણે દૂરથી સમય સૂચકતા રાખીને ટ્રકને આવતા જોઈ લીધી હતી. તે તાત્કાલિક ત્યાંથી દોડી ગયો અને પોતાનો જીવ બચાવી લીધો હતો. નોંધનીય છે કે 1થી 2 સેકન્ડ પણ જો આમ તેમ હોત તો તેને કાળ આંબી ગયો હોત.
ટ્રક મૂકી ડ્રાઈવર ફરાર?
CCTV ફૂટેજને જોતા ટ્રક અથડાઈ ગઈ ત્યારે ડ્રાઈવર અને તેનો સાથે ટ્રકમાંથી નીચે ઉતરતા જોવા મળી રહ્યા છે. તેઓ અકસ્માત પછી ઘટનાસ્થળેથી દોટ મૂકી ભાગતા નજરે પડ્યા હતા. જોકે હજુ સુધી પુષ્ટિ નથી થઈ કે આ ભાગતા શખસો ડ્રાઈવર હશે. આ પ્રાથમિક માહિતી પ્રમાણે અનુમાન લગાવાઈ રહ્યું છે.
With Input: દિગ્વિજય પાઠક
ADVERTISEMENT