અમદાવાદ: એક તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાવા જઈ રહી છે આ વચ્ચે આજે લોકસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદના ઉમેદવાર શશી થરૂર આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. કોંગ્રેસના એક પણ મોટા નેતાએ આ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે મારી જીત હોય કે ખડગેની, કોંગ્રેસની જીત થશે.
ADVERTISEMENT
સિનિયર નેતાની ગેરહાજરી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે આ સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદની પણ ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં કોઈ મોટા નેતાના પ્રવાસ નથી થઈ રહ્યા આ સાથે આજે લોકસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદના ઉમેદવાર શશી થરૂર આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને પોતાના તરફ મતદાન માટે આહ્વાન કર્યું હતું. આ સાથે શશી થરૂરે કોંગ્રેસના અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પરંતુ ગુજરાત કોંગ્રેસના એકપણ સિનિયર નેતા શશી થરૂરના આગમનથી લઈને વિદાય સુધી પણ તેમની સાથે ફરક્યાં ન હતા. આ વચ્ચે શશી થરૂરે કહ્યું કે હું કોંગ્રેસનો સભ્ય છું, G23નો નહીં. જી 23 એ જે માંગ્યું તે મારા મેનિફેસ્ટોમાં પણ છે. થરૂરે સ્વીકાર્યું કે કોઈ પ્રદેશ અધ્યક્ષ કે મોટા નેતાની હાજરી નથી. તેમણે કહ્યું કે, નોમિનેશન વખતે 50 સામાન્ય કાર્યકર્તા સાથે ગયા હતા.હું જીતવા માટે લડી રહ્યો છું, હું દરેકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું
આંતરીક ચૂંટણી મહત્વની
થરૂરે કહ્યું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખના ઉમેદવાર તરીકે પ્રદેશના ડેલીગેટો સાથે મુલાકાત કરવા ગુજરાતમાં આવ્યો છું. સમગ્ર ભારતમાં કોંગ્રેસ એકમાત્ર રાજકીય પક્ષ છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પારદર્શક પ્રણાલીથી થાય છે. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા મધુસુદન મિસ્ત્રીજીએ આ ઉમદા પ્રણાલી બનાવી છે. સોમવારે તા. 17ના રોજ સમગ્ર દેશના પ્રદેશ ડેલીગેટ વોટીંગ કરશે તે પહેલા ગુજરાત પ્રદેશના ડેલીગેટો સમક્ષ મારી વાત રજુ કરવા, મતદારોને સમજવા આવ્યો છું. અમે ઈચ્છીએ છીએ કે, કોંગ્રેસ પક્ષ હજુ મજબુત થાય અને તે માટે આ આંતરીક ચૂંટણી મહત્વની છે.
ગુજરાતમાં યાત્રા થવી જોઈએ
જિલ્લા પ્રમુખ બનાવવા માટે કોંગ્રેસ પ્રમુખની મંજૂરી લેવી પડે છે, હું આ વિષય પર ચૂંટણી લડી રહ્યો છું. તિરુવનંતપુરમમાં 28 વર્ષથી એક અધ્યક્ષ હતા, મેં જોયું, તમે પણ થાકી જશો અને કાર્યકરો પણ થાકી જશે આમ ચાલ્યું તો. નવી ઉર્જા સાથે ગુજરાતમાં ચૂંટણીની તૈયારી કરશે. ગુજરાતમાં યાત્રા કરવી જોઈએ, કન્યાકુમારીથી ગુજરાત સુધી યાત્રા કરવી જોઈએ. ગુજરાતની ચૂંટણી માટે હવે સમય નથી.
ગુજરાત ખડગે સાથે?
મલ્લિકાર્જૂન ખડગે અને શશી થરૂર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ માટેના ઉમેદવાર છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓની શશી થરૂરના કાર્યક્રમમાં ગેરહાજરી થઈ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસ શશી થરૂર સાથે નહીં પણ મલ્લિકાર્જૂન ખડગેને સાથ આપશે.
19 ઓક્ટોબરે થશે મતદાન
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ જાહેરનામું બહાર પાડ્યા બાદ 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલી હતી. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT