અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ચૂંટણીમાં દાવેદારી નોંધાવવા ઈચ્છતા ઉમેદવારો નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. ત્ચારે ઉત્તર ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ પણ વિધાનસભા ચૂંટણીમાં લડવા માટે દાવેદારી નોંધાવી છે.
ADVERTISEMENT
શંકર ચૌધરી સામે બે દાવેદારો
ગઈકાલે જ બનાસકાંઠા જિલ્લાની 2 વિધાનસભા બેઠકો પર અપેક્ષિત ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વાવ વિધાનસભા બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ દાવેદારી નોંધાવી હતી. તેમની સાથે જ વાવ બેઠક પરથી અન્ય બે દાવેદારોએ પણ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ગજેન્દ્રસિંહ રાણા અને પથુજી ઠાકોરના નામનો સમાવેશ થાય છે.
ભાજપમાં સેન્સની પ્રક્રિયા દરમિયાન ઉઠ્યા વિરોધના સૂર
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યભરમાં જુદી જુદી બેઠકો પર ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નવસારી જિલ્લાની 174 જલાલપોર વિધાનસભા માટે સેન્સની પ્રક્રિયા દરમિયાન ભારે ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. હાલના ધારાસભ્ય આર.સી પટેલ 2000 જેટલા લોકો સાથે કમલમ પર પહોંચ્યા હતા. ત્યાં તેમના કાર્યકર્તાઓ શક્તિપ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે અન્ય દાવેદાર અનિલ પટેલ અને દિનેશ પટેલ પણ આવી પહોંચ્યા હતા. આ તમામ લોકોએ શક્તિપ્રદર્શન શરૂ કર્યું હતું. શરૂઆતમાં શાંત બાદ દેખાવો તોફાની બન્યા હતા. તમામ દાવેદારોના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા અને એકબીજાની વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.
સુરતમાં કુમાર કાનાણીએ કાર્યકર્તાને ટિકિટ આપવા કરી માંગ
બીજી તરફ સુરતમાં કુમાર કાનાણીએ પણ વિરોધનો સુર ઉઠાવ્યો હતો. કુમાર કાનાણીએ મીડિયા સમક્ષ કહ્યું કે, હું ચોક્કસ પણે માનું છું ભાજપની જે નિયમો છે, મને લાગે છે કે ભાજપના કાર્યકર્તા હોય તેમને ટિકિટ માગવાનો અધિકાર છે. પરંતુ કોઈ ઉદ્યોગપતિ આવે, કોઈ ઉદ્યોગના નેતાઓ આવીને કહે અમને ટિકિટ આપો. તો હું એવું માનું છું કે, ભાજપના કાર્યકર્તાઓને ટિકિટ માગવાનો 100 ટકા અધિકાર છે. પરંતુ કોઈ ઉદ્યોગપતિનું નેતૃત્વ આવીને કહે કે અમને પ્રતિનિધિત્વ આપો, તો શેનું પ્રતિનિધિત્વ. પાર્ટીની અંદર પ્રતિનિધિત્વ કાર્યકર્તાને આપવાનું હોય.
ADVERTISEMENT