ભાવનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. અત્યારે ભાજપ, આપ અને કોંગ્રેસ ત્રણેય ચૂંટણીના મેદાનમાં પોતાનું સર્વસ્વ આપી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના આગમનથી ગુજરાતમાં રોજગારી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા મુદ્દે અત્યારે ચૂંટણી લડાઈ રહી છે. તેવામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર રોજગારી મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે જ ભાજપ દ્વારા નોકરી આપવાનું નાટક શરૂ કરી દેવાય છે.
ADVERTISEMENT
રોજગાર મેળો માત્ર દેખાડો છે- શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ચૂંટણી સમયે ભાજપ દ્વારા નોકરીનું જુઠ્ઠાણુ ફેલાવાતુ હોવાનો આરોપ લગાવ્યો છે. આની સાથે તેમણે જણાવ્યું કે અગાઉ ભાજપ દ્વારા દર વર્ષે 2 કરોડ લોકોને નોકરી આપવાનું વચન કરાયું હતું. જોકે એનું પાલન ન થયું હોવાનો દાવો પણ શક્તિસિંહ ગોહિલે કર્યો હતો.
રોજગારી મેળા પર નિશાન સાધતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અત્યારે ચૂંટણી સમયે જ કેટલાક હજાર લોકોને નોકરી આપવાની વાત કરાઈ રહી છે. હવે ભાજપે કરેલા 2 કરોડ નોકરીઓ આપવાના વાયદાઓનું શું થયું?
સરકારી નોકરીઓ માટે પદ ખાલી- શક્તિસિંહ ગોહિલ
તેમણે વધુમાં શક્તિસિંહ ગોહિલે દાવો કરતા જણાવ્યું કે સરકારી નોકરીઓમાં અત્યારે ઘણા પદ ખાલી છે. તેવામાં રોજગારી મુદ્દે સરકાર ખાલી જુઠ્ઠાણુ ફેલાવતી હોય એમ લાગે છે. અત્યારે આટલી ખાલી જગ્યા ભરાશે કે કેમ એની કોઈને જાણ નથી. આની સાથે તેમણે આંગણવાડી વર્કરથી લઈ નોકરી કરતા કર્મચારીઓને પડતી રહેતી મુશ્કેલીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
ADVERTISEMENT