પંજાબ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ પંજાબમાં ભારત જોડો યાત્રા લઈને નીકળી રહ્યા છે. પંજાબમાં તેમની સુરક્ષાને લઈને કડક વ્યવસ્થા કરાઈ છે, તેમ છતાં મંગળવારે તેમની સુરક્ષામાં મોટી ચૂક થઈ ગઈ. રાહુલ ગાંધી જ્યારે હોંશિયારપુરના દસૂહામાં પોતાની પદયાત્રા કરી રહ્યા હતા ત્યારે અચાનક એક યુવક સુરક્ષા તોડીને તેમની પાસે આવી ગયો. તેણે રાહુલ ગાંધીને ગળે લગાવી લીધા. જોકે આસપાસમાં રહેલા લોકો અને જવાનોએ યુવકને તરત જ દૂર કરી દીધો. જ્યારે રસ્તામાં રાહુલ ગાંધીના ટી-બ્રેક પહેલા એક વ્યક્તિ તેમની પાસે સેલ્ફી લેવા માટે પહોંચી ગયો.
ADVERTISEMENT
યુવકની ઓળખ કરવા પોલીસને આદેશ
જ્યારે SSP હોંશિયારપુરને વ્યક્તિની ઓળખ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત તેમને એ પણ જાણ કરવા માટે કહેવાયું છે કે સુરક્ષામાં ચૂક થઈ છે કે પછી તે ભાવુક કે ઉત્સાહિત થઈને તેમની પાસે પહોંચી ગયો હતો.
300 સુરક્ષાકર્મીઓ રાહુલ ગાંધીની સુરક્ષામાં
આ મામલે IG લો એન્ડ ઓર્ડર જી.એસ ઢિલ્લોએ કહ્યું કે, હું રાહુલ ગાંધી સાથે 100 કિ.મી ચાલી ચૂક્યો છું. અમારી પાસે 300 સુરક્ષાકર્મીઓ છે. સુપર પરફેક્ટ જેવું કંઈ નથી. અમે કોઈને પણ સુરક્ષા ઘેરામાં જવા નથી દેતા. હાલમાં અમે વ્યક્તિની ઓળખ કરી શક્યા નથી. અમને ખબર નથી કે તે એકલો હતો કે કોઈ પરિચિત વ્યક્તિ સાથે આવ્યો હતો,પરંતુ હાં વીડિયોમાં એવું લાગે છે કે આ સુરક્ષામાં ચૂકનો મામલો છે.
અગાઉ પણ રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉઠ્યો
નોંધનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બરમાં દિલ્હીમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂકનો મામલો ઉઠ્યો હતો. કોંગ્રેસે તેને લઈને ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસ રાહુલ ગાંધીની સુરક્ષાના મુદ્દા પર સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે.
ADVERTISEMENT