ગાંધીનગર: ગાંધીનગરમાં વહેલી સવારે કરુણ ઘટના બની હતી. બાળકોને સ્કૂલે લઈને જતી વાન અચાનક પલટી જતા 10 જેટલા બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તમામ ઈજાગ્રસ્ત બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક વિદ્યાર્થીને અમદાવાદમાં ખસેડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સ્કૂલ વાનમાં 10 વિદ્યાર્થીઓ સવાર હતા
ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે આજે વિદ્યાર્થીઓને લઈને જતી સ્કૂલ વાન પલટી ગઈ હતી. વાનમાં 10 જેટલા બાળકો હતા, જેમને લઈને આ વાન સ્કૂલે જઈ રહી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વાનનું પડીકું વળી ગયું હતું. ઘટનાને પગલે આસપાસથી સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા એમ્બ્યૂલન્સને જાણ કરવામાં આવી હતી.
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા
હાલમાં આ સ્કૂલ વાન કેવી રીતે પલટી મારી ગઈ તે પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી. પરંતુ વાનની હાલત જોતા અકસ્માત ખૂબ જ ગંભીર લાગી રહ્યો છે. અકસ્માતને પગલે બાળકોના વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં એક વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે.
(વિથ ઈનપુટઃ દુર્ગેશ મહેતા)
ADVERTISEMENT