સુરત: સોશિયલ એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોઘરા (Mehul Boghra) પર હુમલા મામલે ટીઆરબી હેડ સાજન ભરવાડને (Sajan Bharwad) ગુજરાત હાઈકોર્ટે આખરે જામીન આપી દીધા છે. મેહુલ બોઘરા પર હુમલો કરનારા સાજન ભરવાડ તરફથી અગાઉ સુરત સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, જેને નામંજૂર કરવામાં આવી હતી. જે બાદ હવે હાઇકોર્ટ દ્વારા સાજન ભરવાડને શરતી જામીન આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
હાઈકોર્ટે આ શરતે જામીન આપ્યા
ગુજરાત હાઈકોર્ટ દ્વારા મેહુલ બોઘરા પર હુમલો કરનારા આરોપી સાજન ભરવાડને જામીન આપતા શરત મૂકાઈ છે કે ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી આરોપી સુરત શહેરમાં પ્રવેશ નહીં કરે. ઉપરાંત તેના પર એક વર્ષ સુધી સરથાણા-કામરેજમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કોર્ટ દ્વારા રૂ.10 હજારના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે 50થી વધુ દિવસ જેલમાં વિતાવ્યા બાદ આખરે સાજન ભરવાડ બહાર નીકળી શકશે.
અગાઉ સુરતની સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા
નોંધનીય છે કે અગાઉ 9 સપ્ટેમ્બરે સાજન ભરવાડના જામીન મુદ્દે સુનાવણી થઈ હતી. જો કે સુરત સેશન્સ કોર્ટ દ્વારા સાજન ભરવાડને જામીન આપવાનો ઇન્કાર કરી દેવાયો હતો. સાજન ભરવાડ દ્વારા કરવામાં આવેલુ કૃત્ય સામાન્ય નહીં હોવાનું કોર્ટે નોંધ્યું અને તેના જામીન નામંજૂર કરી દીધા હતા.
શું હતો સમગ્ર મામલો?
સુરતમાં લસકાણા ખાતે કેનાલ રોડ પર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી ખોટી રીતે બેફામ ઉઘરાણી કરાવાતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. એવામાં એડવોકેટ મેહુલ બોઘરાએ લસકાણા પોલીસ ચોકી પાસે પહોંચીને સોશિયલ મીડિયા પર લાઈવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન TRB જવાન તેના પર લાકડી લઈને તૂટી પડ્યો હતો. જેમાં એડવોકેટ લોહીલુહાણ થઈ જતા તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT