વડોદરા: એમ.એસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ દ્વારા ફૂટ પ્રિન્ટ ઈવેન્ટના ભાગ રૂપે આયોજિત મ્યુઝિક કોન્સર્ટમાં ક્ષમતા કરતા પણ વધુ પાસ વેચવાના કારણે અંધાધૂંધી સર્જાઈ હતી. કોન્સર્ટમાં જગ્યાની ક્ષમતાથી પણ ડબલ પાસ વેચી દેવાતા ધક્કામુક્કી અને ગૂંગળામણના કારણે 30થી વધુ વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા. દર્શન રાવલના કાર્યક્રમ માટે 6 વાગ્યે પહોંચી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગેટ ન ખોલાયો. જેમાં ધક્કા-મુક્કીના પગલે અનેક વિદ્યાર્થીઓના બુટ-ચપ્પલ ખોવાઈ ગયા જો કેટલાકને ઈજાઓ પહોંચી હતી. આખરે વિદ્યાર્થી નેતાએ ગેટ પર ચઢીને ગેટ ખોલાવ્યો હતો.
ADVERTISEMENT
3500ની જગ્યા સામે બમણા પાસ વેચાયા?
એસ.એસ યુનિવર્સિટીમાં ફૂટપ્રીન્ટ ઈવેન્ટમાં દર્શન રાવલના મ્યુઝિક કોન્સર્ટમાં આયોજકોની બેદરકારીના કારણે સ્થિતિ વણસી હતી. ટેકનોલોજી ફેકલ્ટી ગ્રાઉન્ડની ક્ષમતા 3500 પ્રેક્ષકોની હોવા છતાં 7 થી 8 હજાર પાસ વહેંચવામાં આવ્યા હતા. મુખ્ય દરવાજો બંધ હોવાના કારણે કેટલોક લોકોએ ગેટ કૂદીને અંદર જવાનો પ્રયાસ કર્યો હતો. બાઉન્સરો, પોલીસ અને સિક્યોરિટી સાથે ધક્કામુક્કી અને ઝપાઝપી વચ્ચે ટોળું દરવાજા ખોલીને અંદર ઘુસી ગયું હતું. એવામાં પાસ ચેકિંગની વ્યવસ્થા ભાંગી પડી હતી. ક્ષમતાથી વધુ લોકો અંદરે એકઠા થઈ જતા શ્વાસ લેવામાં પણ સમસ્યા થઈ રહી હતી.
30 જેટલા વિદ્યાર્થી બેભાન
ટેકનોલોજી ફેકલ્ટીનો ગેટ તૂટી ગયો હતો. ભીડને પગલે ગૂંગળામણ થતા 30 જેટલા વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા. જેમાં મોટાભાગની યુવતીઓ હતી. જેથી 108ને બોલાવવી પડી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓના ફોન અને બુટ-ચંપલ પણ ગુમ થઈ ગયા હતા. એવામાં તેમણે બુટ-ચપલ વગર જ કાર્યક્રમ નિહાળ્યો હતો.
ADVERTISEMENT