નવી દિલ્હી: ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી જે રીતે દુનિયભારમાં ફેલાઈ રહ્યું છે, તેને જોતા હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્ર દ્વારા લોકોને સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરવા અને રસી લેવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે બે મોટો નિર્ણયો લીધા છે. જેમાં ચીન સહિત 5 દેશમાંથી આવનારા પ્રવાસીઓનો ફરજિયાત RT-PCR કરવામાં આવશે. તથા રાજ્યોને પણ ઓક્સિજન અને બેડ સહિતની સુવિધા સાથે પુરવઠો તૈયાર રાખવા કહ્યું છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે શું મોટા નિર્ણય લીધા?
કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ તથા થાઈલેન્ડ આ પાંચ દેશોમાંથી આવનારા તમામ મુસાફરોએ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે. જો આ મુસાફરોમાં કોરોનાના લક્ષણો જોવા મળે અથવા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેમને ક્વોરન્ટિન કરવામાં આવશે. આ સાથે જ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેસોને પત્ર લખીને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તૈયારીના ભાગ રૂપે ઓક્સિજનનો નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.
24 કલાકમાં ભારતમાં કેટલા કેસ આવ્યા?
નોંધનીય છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 201 કોરોનાના નવા કેસ નોંધાયા છે. હાલમાં કુલ 3397 કેસ એક્ટિવ છે. હજુ સુધી ભારતમાં કોરોનાની લહેર આવી નથી, પરંતુ અગાઉની લહેર જેવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે અગાઉથી સાવચેતીના પગલાના ભાગ રૂપે આ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં ખાનગી સ્કૂલોમાં માસ્ક ફરજિયાત
ગઈકાલે રાજકોટની ખાનગી શાળાઓના સંચાલક મંડળે મહત્વનો નિર્ણય લીધો હતો. તેમણે શાળામાં આવતા દરેક બાળક માટે માસ્ક ફરજિયાત કરી દીધા હતા. રાજકોટના ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરતા જણાવવામાં આવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ તાવ શરદી જેવા લક્ષણ હોય તો તેઓને શાળામાં પ્રવેશ આપવામાં નહી આવે. તે વિદ્યાર્થીઓએ પોતાના ઘરે જ આઇસોલેટ રહેવું પડશે.
ADVERTISEMENT