દિલ્હીઃ ભારતે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં શ્રીલંકાને 67 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ગુવાહાટીમાં મંગળવારે (10 જાન્યુઆરી) મેચ દરમિયાન એક રસપ્રદ ઘટના જોવા મળી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા થઈ રહી છે. લોકો તેની ખેલદિલીથી ખૂબ જ પ્રભાવિત છે.
ADVERTISEMENT
વાસ્તવમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાને ઓવરમાં નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રનઆઉટ કર્યો હતો. શમીએ સ્ટમ્પ્સ ઉખાડી ‘માનકડિંગ’ની અપીલ કરી હતી. આ પછી રોહિતે શમી પાસે જઈને આ માંકડિંગ અપિલ પરત લેવાનો નિર્ણય કર્યો હતો. જેથી શનાકા પોતાની સદી પૂરી કરી શકે. શનાકા આ જોઈને રોહિતની પાસે ગયો અને હાથ મિલાવ્યો હતો. આ સમગ્ર ઘટના મેચની છેલ્લી ઓવરમાં જોવા મળી હતી. શનાકા 98 રન બનાવી અણનમ રહ્યો હતો. શમી જ્યારે ચોથો બોલ ફેંકવા આગળ વધ્યો ત્યારે તેણે શનાકાને ક્રિઝની બહાર જોયો. આ પછી તેણે બોલિંગ ન કરી અને શનાકા નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રનઆઉટ થયો હતો.
રોહિતે શું કહ્યું?
જેવા મેદાન પરના અમ્પાયરે ત્રીજા અમ્પાયરનો અભિપ્રાય લેવા માટે સંપર્ક કર્યો, રોહિતે તેને રોકી દીધો. ભારતીય કેપ્ટને અપીલ પાછી ખેંચી લીધી હતી. આ પછી શનાકાએ પણ પોતાની સદી પૂરી કરી. આ તેની ODI કારકિર્દીની બીજી સદી છે. મેચ બાદ જ્યારે રોહિત શર્માને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, મને ખ્યાલ નહોતો કે શમીએ આવું કર્યું છે. શનાકા 98 રન પર બેટિંગ કરી રહ્યો હતો. અમે તેને આ રીતે બહાર આઉટ કરવા માંગતા નથી. તેણે શાનદાર ઇનિંગ રમી હતી.
મેચમાં શું થયું?
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતે શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ 100+ની ભાગીદારી કરી હતી. ગિલ 70 અને રોહિત 83 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી વિરાટ કોહલીએ 113 રન બનાવ્યા હતા. આ ત્રણ બેટ્સમેનોના શાનદાર યોગદાનને કારણે ભારતે 373 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.
જવાબમાં શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવ્યા બાદ શ્રીલંકાને વાપસી કરવી મુશ્કેલ લાગી હતી. નિશંકા એક એન્ડ પર ઊભો હતો, પણ બીજા એન્ડ પર તેને કોઈનો સહારો નહોતો મળ્યો. નિશંકા 72 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન ધનંજય ડી’સિલ્વાએ 47 રન બનાવ્યા, પરંતુ તે પૂરતા ન હતા. અંતમાં દાસુન શનાકાએ 108 રનની ઇનિંગ રમી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. શનાકા એક એન્ડ પર 108 રન બનાવીને અણનમ રહ્યો હતો, પરંતુ શ્રીલંકાની ટીમ 67 રનથી મેચ હારી ગઈ હતી.
ADVERTISEMENT