ઉત્તરાખંડ: ભારતીય ક્રિકેટર રિષભ પંતની કારનો શુક્રવારે સવારે અકસ્માત થયો. દુર્ઘટના એટલી ભયાનક હતી કે મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ. ડોક્ટર્સના જણાવ્યા મુજબ, રિષભ પંતના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે કાર રેલિંગ સાથે અથડાઈને પલટી જાય છે. જ્યારે અન્ય એક વીડિયોમાં કાર ભડભડ સળગી રહી છે અને સ્થાનિકો પંતને બહાર કાઢતા દેખાય છે.
ADVERTISEMENT
કારના અકસ્માત બાદ સ્થાનિકોએ પંતને બહાર કાઢ્યો
અકસ્માત બાદ રિષભ પંતની કાર સળગવા લાગી તો બીજી લેનમાંથી કાર પસાર થતી રહી. આ દરમિયાન કોઈએ વીડિયો ઉતારી લીધો. આ બાદ સોશિયલ મીડિયામાં તેને વાઈરલ કર્યો છે. જેમાં તે વ્યક્તિ સળગતી કાર બતાવે છે અને ઈજાગ્રસ્ત પંત પાસે જાય છે. પંતને પીઠમાં ઈજા પહોંચી છે, તેના પગમાં અને માથામાં પણ ગંભીર ઈજા પહોંચી છે. હાલમાં તો રિષભ પંતની દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
જ્યારે અકસ્માતના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર ખૂબ જ સ્પીડમાં ડિવાઈડર તોડતા આગળ જઈને પલટી જાય છે. કારની સ્પીડ એટલી બધી હતી કે આંખના પલકારમાં જ તે સ્ક્રીનમાંથી ગાયબ થઈ જાય છે અને લાઈટનો થાંભલો તોડતી આગળ જઈને પડે છે.
જાતે કાર ચલાવી રહ્યો હતો રિષભ પંત
રિષભ પંતે જણાવ્યું કે, પરોઢિયે કાર ચલાવતા સમયે તેને જોકું આવી ગયું હતું અને સેકન્ડોની અંદર જ કાર અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાઈ અને દુર્ઘટના ઘટી ગઈ.
સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અકસ્માતમાં ઘાયલ ક્રિકેટર રિષભ પંત વિશે અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. સાથે જ સારવાર માટે તમામ સંભવ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ તેમણે રિષભ પંતની સારવારમાં થનારા તમામ ખર્ચ સરકાર ઉઠાવશે તેમ પણ જાહેર કર્યું હતું અને એર એમ્બ્યુલન્સની જરૂર પડશે તો તેની પણ વ્યવસ્થા કરવા કહેવાયું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT