જામનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાઈ-ભાઈ, પિતા-પુત્ર તથા નણંદ-ભાભી સામ સામે આ વખતે જોવા મળી રહ્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા રાજકારણમાં એન્ટ્રી કરી રહેલા રિવાબા જાડેજાને સપોર્ટ કરી રહ્યા છે અને જાનગર ઉત્તર બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હવે તેમાં રવિન્દ્ર જાડેજાની પણ રાજકારણમાં એન્ટ્રી થઈ છે અને તેમણે વીડિયો બનાવીને કોંગ્રેસ માટે વોટ માગ્યા છે.
ADVERTISEMENT
અનિરુદ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસ માટે મત માગ્યા
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ વીડિયો બનાવ્યો છે, જેમાં તેઓ પુત્રવધુ રિવાબની જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે. તેઓ વીડિયોમાં કહી રહ્યા છે કે, જામનગર ઉત્તરની 78 વિધાનસભાથી મારા નાનાભાઈ એવા બિપેન્દ્રસિંહ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે. તેમને બહુમતિથી ચૂંટણી જીતાડવા અમારી અપીલ છે. રાજપૂત સમાજને મારી ખાસ અપીલ છે કે, તેમને વિજય બનાવે.
અગાઉ નણંદે કર્યો હતો ભાભી વિરુદ્ધ પ્રચાર
નોંધનીય છે કે, જામનગર ઉત્તર બેઠક પર રાજકારણ ગરમાયું છે. એક બાજુ જાડેજા પરિવારના જ પુત્રવધુ મેદાનમાં છે અને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે બીજી બાજુ નણંદ અને સસરા કોંગ્રેસ માટે વોટ માગી રહ્યા છે. એવામાં ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓને સમર્થન આપવા મામલે જાડેજા પરિવારમાં જ વિચારોમાં મતભેદ સામે આવી રહ્યો છે.
રિવાબા પર બાળકોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવાનો આક્ષેપ
આ પહેલા નયનાબા જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, રિવાબા જાડેજા ચૂંટણી પ્રચારમાં નાના ભૂલકાઓનો ઉપયોગ કરે છે. તેમની રેલીમાં 10 જેટલા નાના ભૂલકોને લઈ જાય છે. ભૂલકાઓનો ઉપયોગ કરીને રિવાબા સહાનુભૂતિ મેળવવા માંગે છે. આ બાબત એક રીતે બાળમજૂરી જ કહેવાય. કોંગ્રેસના હોદ્દેદાર સુભાષ ગુજરાતીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. બાળકોના વાલીઓએ ફરિયાદ કરી છે કે, તેમને જાણ કર્યા વિના જ બાળકોને આ રીતે પોતાની સાથે ચૂંટણી પ્રચારમાં લઈ જાય છે.
રિવાબાએ નામ ન બદલતા કર્યા હતા આક્ષેપ
સાથે જ નયનાબાએ રિવાબાના ઉમેદવારી ફોર્મ પર કહ્યું કે, રિવાબા જાડેજા કયા હકથી જામનગરના લોકોના મત માગે છે? રિવાબા રાજકોટ પશ્ચિમના મતદાર છે, તેમણે ત્યાં ચૂંટણી લડવી જોઈએ. જામનગર ઉત્તર બેઠક ઉપરથી રિવાબા આયાતી ઉમેદવાર છે. તેમણે પોતાના ફોર્મમાં નામ પણ રિવાસિંહ હરદેવસિંહ સોલંકી રાખ્યું છે. રવિન્દ્ર જાડેજાનું નામ પણ તેમણે બ્રેકેટમાં રાખ્યું છે. તેઓ જાડેજા અટકનો માત્ર ઉપયોગ કરવા માંગે છે, 6 વર્ષમાં અટક સુધારવાનો પણ સમય નથી મળ્યો.
(વિથ ઈનપુટ: દર્શન ઠક્કર)
ADVERTISEMENT