જામનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અત્યારે ચર્ચામાં આવી ગયા છે. કારણ કે ઘૂંટણમાં ઈજા પહોંચતા તે વર્લ્ડ કપની બહાર થઈ ગયા છે. પરંતુ અટકળો પ્રમાણે હવે તેઓ ચૂંટણીના મેદાનમાં પત્ની રિવાબાને મદદ કરી શકે છે. નોંધનીય છે કે હજુ સુધી રિવાબાને ટિકિટ મળશે કે નહીં એ કંફર્મ નથી. પરંતુ ભાજપે જેવી રીતે પ્રચાર કર્યો છે એમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આ ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને વધારે ટિકિટ આપી શકાશે. તેવામાં રિવાબા જાડેજાને જામનગર ગ્રામ્ય બેઠક પરથી ટિકિટ મળવાની પ્રબળ સંભાવના જણાઈ રહી છે. હવે જાડેજા ક્રિકેટના મેદાનમાં તો હિટ છે તેવામાં તેમના પત્ની રિવાબા ચૂંટણીના મેદાનમાં કેવું પ્રદર્શન કરશે એ જોવા જેવું રહેશે…
ADVERTISEMENT
રિવાબાની ટિકિટ કંફર્મ નથી, જાડેજા રિકવરી મોડમાં…
અત્યારે આ બેઠક પરથી જામનગર ગ્રામ્ય બેઠક રિવાબાને ટિકિટ મળશે કે નહીં એ કંફર્મ નથી. પરંતુ અત્યારે જેવી રીતે તેઓ મહિલાઓ સહિત સમાજના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે કાર્યરત છે એને જોતા રિવાબા ટિકિટ માટેના પ્રબળ દાવેદાર તરીકે સામે આવી શકે છે. વળી બીજી બાજુ હવે ભાજપે પણ આ ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને પ્રોત્સાહન આપી વધુ ટિકિટ ફાળવવાની વાત કરી છે. હવે આ તમામ પાસા પર નજર કરતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે રિવાબાને આ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મળવી લગભગ નક્કી છે. કારણ કે છેલ્લા 2 વર્ષથી તેઓ ગામે ગામ ફરીને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
જામનગર ગ્રામ્યની બેઠક રહી હતી ચર્ચામાં
2019ની લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસના MLA વલ્લભભાઈએ પક્ષપલટો કરી ભાજપનો સાથ પસંદ કર્યો હતો. જેના પરિણામે કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. ત્યારપછી આ બેઠક ખાલી થઈ જતા અહીં પેટાચૂંટણીનું આયોજન થયું હતું. જેમાં ભાજપ તરફથી રાઘવજી પટેલનની જીત થઈ હતી.
બીજી બાજુ રવીન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા પહોંચતા તાત્કાલિક સર્જરી કરાવવાની ફરજ પડી છે. જેના કારણે તે T20 વર્લ્ડ કપ 2022થી બહાર ફેંકાઈ ગયો છે. આને જોતા હવે તે પોતાના પત્ની રિવાબાને ચૂંટણીલક્ષી સહાયતા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 2019માં રિવાબા અને જાડેજાએ વડાપ્રધાન મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ દરમિયાન જાડેજાએ ભાજપને સમર્થન પણ આપ્યું હતુ. તેવામાં હવે રિવાબાને અત્યારે ચૂંટણીલક્ષી તમામ કાર્યોમાં રવીન્દ્ર જાડેજા સતત મદદ કરી શકે છે.
રિવાબાએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી
અગાઉ મીડિયા સાથેની વાતચીત દરમિયાન રિવાબાએ જણાવ્યું હતું કે ભાજપ તરફથી જો તેમને તક મળશે તો ચૂંટણીના મેદાનમાં જોવા મળશે. આ દરમિયાન પાર્ટી જો તેમને કોઈ જવાબદારી સોંપશે તો તેઓ નિભાવવા માટે તત્પર રહેશે એના સંકેતો પણ આપ્યા હતા. છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો રિવાબા જામનગરમાં ગામે ગામ જઈને સેવાકાર્યો કરી રહ્યા છે.
રવીન્દ્ર જાડેજાની રણનીતિ શું રિવાબાને ફળશે?
ક્રિકેટના મેદાનમાં રવીન્દ્ર જાડેજા પોતાની કુશળ બેટિંગ અને બોલિંગ માટે જાણીતો છે. તેવામાં હવે વર્લ્ડ કપમાંથી ઈજાગ્રસ્ત થતા બહાર થઈ ગયો હોવાથી રવીન્દ્ર જાડેજા હવે પત્નીને ચૂંટણીના મેદાનમાં મદદ કરી શકે છે. નોંધનીય છે કે સેવા કાર્યો સહિત અન્ય ચૂંટણીલક્ષી કાર્યોમાં રવીન્દ્ર જાડેજા પત્ની રિવાબાને મદદ કરી શકે એવી અટકળો સામે આવી રહી છે. તેવામાં હવે એ જોવાજેવું રહેશે કે જેમ વિરોધી ટીમના બેટરને રવીન્દ્ર જાડેજા ક્લિન બોલ્ડ કરે છે તેમ ક્રિકેટ બાદ રાજનીતિમાં તેમની રણનીતિ કેટલી કારગર સાબિત થશે. જોકે હજુ આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, આ માત્ર અનુમાન લગાવાઈ રહ્યું છે.
ADVERTISEMENT