Kutch News: આજનું યુવાધન ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા પાછળ ઘેલું થઈ રહ્યું છે. દૈનિક યુવાનોના અવનવા વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. જેમાં ક્યાંક યુવકો સાચી કે ખોટી પિસ્તોલ સાથે ફાયરિંગ કરતા હોય, બાઈક પર કે કાર પર ઉભા રહી જીવના જોખમે સ્ટંટ કરી રહ્યા હોય...તેવા દૃશ્યો સામે આવે છે. ત્યારે કચ્છમાંથી સામે આવેલા વીડિયોએ બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે.
ADVERTISEMENT
MLA વિરેન્દ્રસિંહના દીકરાનો વીડિયો વાયરલ
વાસ્તવમાં આ વીડિયો અન્ય કોઈનો નહીં પરંતુ ભાજપના રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા (MLA Virendra Sinh Jadeja)ના દીકરા જયદિપસિંહ જાડેજાનો છે. ધારસભ્યના દીકરાનો કાર કે બાઈક પર નહીં પરંતુ આર્મીની ટેન્ક પર ફિલ્મી અંદાજમાં સીનસપાટા મારતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો હાલ કચ્છમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આર્મીની ટેન્કની પર બેસી માર્યા સીનસપાટા
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ઈન્ડિયન આર્મીની ટેન્કની ઉપરની સાઈડ બેસીને ધારાસભ્યનો દીકરો સીનસપાટા મારી રહ્યો છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે ધારાસભ્યના દીકરાને આર્મીની ટેન્ક પર બેસવાની મંજૂરી કોણે આપી?, શું ધારાસભ્યના દીકરાને નથી લાગુ પડતા કોઈ નિયમો?, આર્મીની ટેન્ક પર આ રીતે વીડિયો બનાવવો કેટલો વ્યાજબી?, શું ધારાસભ્યના દીકરા સામે થશે કાર્યવાહી? શું બધા નિયમો માટે સામાન્ય લોકો માટે જ છે?
શું MLAના દીકરા સામે કરાશે કાર્યવાહી?
આપને જણાવી દઈએ કે, પોલીસ દ્વારા અત્યાર સુધીમાં જાહેરમાં સ્ટંટ કરતા અનેક યુવાઓને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યા છે. ત્યારે ધારાસભ્યના દીકરા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું...
(ઈનપુટઃ કૌશિક કાંઠેચા, કચ્છ)
ADVERTISEMENT