જૂનાગઢ: જૂનાગઢના કેશોદમાં આવેલા અખોદડ ગામમાં મહાકાળી માતાજીના મંદિરમાં સાધુના વેશમાં છુપાઈને રહેનાર વ્યક્તિ દુષ્કર્મનો આરોપી હોવાનું સામે આવ્યું છે. દેવનારાયણ ઉર્ફે લાલ બાબા કિશોરલાલ નામનો શખ્સ રાજસ્થાનમાં દુષ્કર્મનો આરોપી હતો અને પોલીસે તેના પર 25 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. ગુરુવારે આ આરોપી કેશોદમાં હોવાની બાતમી મળતા રાજસ્થાન પોલીસે સ્થાનિક પોલીસની મદદથી આરોપી બાબાને ઝડપી લીધો હતો.
ADVERTISEMENT
ધાર્મિક વિધિના બહાને દુષ્કર્મ આચરતો
ઘટનાની વિગતો મુજબ, રાજસ્થાનના બાડમેરમાં મહિલાઓની નાડી તપાસવા અથવા દીકરીઓ પર ધાર્મિક વિધિના બહાને દુષ્કર્મ આચરીને પૈસા ઉઘરાવતો હતો. આરોપીએ એક કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ થતા આરોપી નાસી છૂટ્યો હતો અને 11 મહિનાથી પોલીસ તેને શોધી રહી હતી. આરોપીને પકડવા માટે રાજસ્થાન પોલીસે જુદી જુદી 7 જેટલી ટીમો બનાવી હતી. છતા તેનું પંગેરું ન મળતા પોલીસે તેની બાતમી આપનારને રૂ.25 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું.
મહાકાળી માતાના મંદિરમાં પૂજારી બનીને રહેતો
આખરે રાજસ્થાન પોલીસને જુનાગઢના કેશોદમાં દેવનારાયણ રહેવો હોવાની બાતમી મળી હતી. આથી રાજસ્થાન પોલીસ જૂનાગઢ પહોંચી હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખીને અખોદડ ગામે તપાસ કરવા ગઈ હતી. તપાસ બાદ મહાકાળી માતાના મંદિરમાં પૂજારી બની બેઠેલો સાધુ જ દેવનારાયણ હોવાનું સ્પષ્ટ થયું હતું. જે બાદ પોલીસ આરોપીને પકડીને પોતાની સાથે રાજસ્થાન લઈ ગઈ હતી.
ADVERTISEMENT