ગુજરાતનું ગૌરવ: ભારતના સૌથી પહેલા ક્રિકેટર જામનગરના રાજવી જામ રણજીતસિંહની આજે 150મી જન્મજયંતિ

દર્શન ઠક્કર/જામનગર: આજે જામનગરના (Jamnagar) મહારાજા રણજીતસિંહજી જાડેજાની (Jam Ranjitsinh Jadeja) 150મી જન્મજયંતિ છે. 17માં જામસાહેબ અને ક્રિકેટની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય અને ‘રણજી’ તરીકે…

gujarattak
follow google news

દર્શન ઠક્કર/જામનગર: આજે જામનગરના (Jamnagar) મહારાજા રણજીતસિંહજી જાડેજાની (Jam Ranjitsinh Jadeja) 150મી જન્મજયંતિ છે. 17માં જામસાહેબ અને ક્રિકેટની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય અને ‘રણજી’ તરીકે જાણીતા છે. જામ રણજીતસિંહજીનો જન્મ 10 સપ્ટેમ્બર 1872ના રોજ જામનગર જિલ્લાના જામજોધપુરમાં આવેલા સડોદર ગામે દરબારગઢમાં થયો હતો. તેમણે 11મી માર્ચ 1907ના રોજ જામનગરની રાજગાદી સંભાળી અને 26 વર્ષ સુધી રાજ કર્યું હતું. જામ રણજીતસિંહનો અભ્યાસ રાજકોટની રાજકુમાર કોલેજ અને ત્યારબાદ ઇંગ્લેન્ડના કેમ્બ્રિજ ટ્રિનીટી કોલેજમાં થયો હતો. તેઓ પશ્ચિમ કેળવણી મેળવનાર પ્રથમ રાજવી હતા. પશ્ચિમ સુધારાવાદી વિચારસરણીના કારણે તેમને અનેક અંધશ્રદ્ધાઓ દુર કરી અને શહેરને આધુનિક સ્વરૂપ આપ્યું હતું.

જામ રણજીતસિંહની યાદ રમાય છે ‘રણજી’ ટ્રોફી
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં રણજીસિંહનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે. આજે પણ દેશમાં રમાતી રણજી ટ્રોફી ટૂર્નામેન્ટએ જામ રણજીતસિંહની યાદમાં રમાય છે. તે સમયે અંગ્રેજ પ્રજામાં એવી છાપ હતી કે, કાળી ચામડી વાળા શું ક્રિકેટ રમી શકે? જામ રણજીએ તેને દુર કરી હતી અને એક પછી એક કિર્તિમાનો સ્થાપી નવાનગરનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું હતું. તેમણે 307 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 72 સદી અને 109 અડધી સદી સાથે 24692 રન બનાવ્યા.

ક્રિકેટ સીઝનમાં 3000 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર
ઈંગ્લેન્ડમાં 1899માં ક્રિકેટ સીઝનમાં 3000 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર હતા. 1972 દરમિયાન જામનગરમાં રણજી શતાબ્દી મેચ રમાઈ હતી. ત્યારે ઘણા ભારતીય અને ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ખેલાડીઓ આ મેચમાં રમ્યા હતા. જે ફર્સ્ટ ક્લાસ મેચ તરીકે નોંધવામાં આવી હતી. ભારતીય ક્રિકેટનો ઇતિહાસ, જ્યારે વર્તમાન જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા 100મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી અને તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરના વિકાસમાં આપ્યો મહત્વપૂર્ણ ફાળો
સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતા જામનગરનો વિકાસ આજે જેમને આભારી છે, તે જામ રણજીતસિંહે તેમના શાસનકાળમાં મહેસુલી પદ્ધતિ સુધારી, દિવાનની જગ્યાએ સેક્રેટરીએટ પદ્ધતિ દાખલ કરી બેડીબંદરનું આધુનિકરણ, જામનગરથી દ્વારકા સુધીની રેલ્વે લાઇનમાં વધારો, હાલની જી.જી.હોસ્પિટલનું બાંધકામ, નગરના રસ્તાઓ, સુમેર સ્પોર્ટસ કલબ, રણજીત સાગર ડેમ વિગેરે વિકાસ કામો તેઓના શાસનકાળમાં થયા હતા. મહારાજા લીગ ઓફ નેશન્સમાં જામ રણજીતસિંહ ભારતના પ્રતિનિધિ તરીકે નિમાયા હતા. આ ઉપરાંત તેઓ ચેમ્બર ઓફ પ્રિન્સીઝના પ્રમુખ પણ રહ્યા હતાં. 1930માં યોજાયેલી ગોળમેજી પરિષદમાં પણ તેમણે ભાગ લીધો હતો.

    follow whatsapp