અરવલ્લી: જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ વિવિધ સમાજો આગળ આવી તેમના સમાજના ઉમેદવારો માટે વધુને વધુ ટિકિટની માગણી કરી રહ્યા છે. પાટીદાર અને કોળી સમાજ બાદ હવે કરણી સેના દ્વારા ક્ષત્રિય સમાજને આગામી ચૂંટણીમાં ટિકિટ મળે તે માટેની કવાયત તેજ કરી દેવામાં આવી છે. જો તેમની આ માંગ પૂરી ન થાય તો અપક્ષમાં ક્ષત્રિય સમાજના ઉમેદારોને ઊભા રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
ADVERTISEMENT
ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજની હાકલ
કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત આજે અરવલ્લી જિલ્લાની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે બાયડના ડાભા, આંબલિયારા, લીંબ, અમોદર સહિતના ગામોમાં કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને વિધાનસભાની ચૂંટણીને લઈને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું અને ચૂંટણી પહેલા જ ક્ષત્રિય સમાજને એક થવા હાકલ કરી હતી. રાજ શેખાવતે ક્ષત્રિય સમાજ માટે 55થી 60 ટિકિટો ક્ષત્રિય સમાજ માટે માગી હતી અને ટિકિટ નહીં મળવા પર અપક્ષમાંથી ચૂંટણી લડવાની ચીમકી ઉચ્ચારી છે, જેને લઈને હવે તમામ રાજકીય પાર્ટીઓની ચિંતા પણ વધી ગઈ છે.
સમાજ માટે 60 ટિકિટની માગણી કરી
કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કહ્યું કે, જે પાર્ટી ઓછામાં ઓછી 55થી 60 ટિકિટો ક્ષત્રિય સમાજને આપશે તે પક્ષને સમાજ સમર્થન આપશે. કરણી સેનાએ ગામડે ગામડે જઈને જાતિગત સમીકરણ ગોઠવ્યું છે. સમાજનો વિકાસ કરવો હોય તો રાજકીય સત્તા જરૂરી છે. રજવાડા સમર્પિત કર્યા છે તેવા ક્ષત્રિય સમાજ રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યો છે. આ સાથે જ રાજ શેખવતે “અબકી બાર ક્ષત્રિયો કી સરકાર” , “એક મૌકા ક્ષત્રિયો કો” નું સ્લોગન પણ આપ્યું હતું.
(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા)
ADVERTISEMENT