દિલ્હીઃ કેન્દ્ર સરકારે રવિવારે ગાંધી પરિવાર સાથે જોડાયેલા વધુ એક બિનસરકારી સંગઠન પર કાર્યવાહી કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગૃહ મંત્રાલયે રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું લાઈસન્સ રદ કરી દીધું છે. આ કાર્યવાહી ફોરેન કંડ્રીબ્યુશન એક્ટ હેઠળ કરવામાં આવી છે. આ સંગઠન પર વિદેશી ફંડિગ કાયદાના કથિત ઉલ્લંઘનનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
લાઈસન્સ રદ કરવા નોટિસ ફટકારાઈ હતી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જુલાઈ 2020મા MHAએ મંત્રાલયની અંદર તપાસ સમિતિ બનાવી હતી, તેમના રિપોર્ટના આધારે આ નિર્ણય લેવાયો છે. આ તપાસ કમિટિમાં MHA, ઈડી, સીબીઆઈ અને ઈન્કમ ટેક્સના અધિકારીઓ પણ સામેલ હતા. FCRA લાઈસન્સ કેન્સલ કરવાની નોટિસ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ઓફિસના પદાધિકારીને મોકલવામાં આવી હતી.
સોનિયા, રાહુલ અને પ્રિયંકા ટ્રસ્ટી
ઉલ્લેખનીય છે કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી RGFના અધ્યક્ષ છે. જ્યારે અન્ય ટ્રસ્ટિઓમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમ અને રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી વાડ્રા સામેલ છે. RGFની વેબસાઈટ પ્રમાણે, સંગઠનને 1991માં સ્થાપિત કરાયું હતું.
1991માં ફાઉન્ડેશનની સ્થાપના કરાઈ
રાજીવ ગાંધી ફાઉન્ડેશનની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના વિઝનને પૂરા કરવા માટે કરાઈ હતી. ફાઉન્ડેશનની ઓફિશિયલ વેબસાઈટ rgfindia.org પર અપાયેલી જાણકારી પ્રમાણે 1991થી 2009 સુધી ફાઉન્ડેશને સ્વાસ્થ્ય, સાક્ષરતા, વિજ્ઞાન, મહિલા અને બાળ વિકાસ, પંચાયતી રાજ સંસ્થાઓ, પ્રાકૃતિક સંસાધન પ્રબંધન અને પુસ્તકાલયો સહિતના ઘણા મુદ્દાઓ પર કામ કર્યું છે.
ફાઉન્ડેશન પર ચીનથી ફંડિગનો આરોપ
નોંધનીય છે કે જૂન 2020માં ભાજપે ફાઉન્ડેશન પર વિદેશી ફંડિંગનો આરોપ લગાવ્યો હતો. તેવામાં તત્કાલિન કાયદા મંત્રી અને ભાજપના નેતા રવિશંકર પ્રસાદે દાવો કર્યો હતો કે ચીને રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે ફંડિંગ કર્યું છે. એક કાયદો છે એના અંતર્ગત કોઈપણ પાર્ટી સરકારની અનુમતિ વિના વિદેશથી રૂપિયા લાવી શકતી નથી. કોંગ્રેસ સ્પષ્ટ કરે કે શું આ ડોનેશન માટે સરકાર પાસેથી મંજૂરી લેવાઈ હતી?
ADVERTISEMENT