રાજભા ઝાલાની ગુલાંટઃ AAPમાંથી જોડાયા BJPમાં, કમલમમાં ભુલથી બોલી ગયા ‘AAP શ્રેષ્ઠ સંગઠન’

ગાંધીનગરઃ હાલમાં નેતાઓની ગુલાંટ મારવાની સિઝન ચાલી રહી છે, ચૂંટણી પહેલા ક્યાં કયો નેતા ફરી જાય તેનું કશું નક્કી નહીં. મતદાર તરીકે તમામ બાબતોમાં જ્યાં…

gujarattak
follow google news

ગાંધીનગરઃ હાલમાં નેતાઓની ગુલાંટ મારવાની સિઝન ચાલી રહી છે, ચૂંટણી પહેલા ક્યાં કયો નેતા ફરી જાય તેનું કશું નક્કી નહીં. મતદાર તરીકે તમામ બાબતોમાં જ્યાં નેતા પોતાના ફાયદા જુએ છે તેમ મતદારે પણ પોતાનું ભાવી કોને સોંપવું તે નક્કી કરી સ્વાર્થી બનવાની જરૂર છે. હાલમાં જ આમ આદમી પાર્ટી ભાજપના નેતા, તો ભાજપ કોંગ્રેસના નેતા, વગેરે એક બીજાના નેતા કાર્યકરોને તોડીને પોતાનામાં ભેળવી રહ્યા છે. પ્રવેશોત્સવ જાણે નેતાઓનો ચાલી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર જિલ્લામાં આમ આદમી પાર્ટીના સક્ષમ નેતાઓમાં સ્થાન પામતા નેતા રાજભા ઝાલા બીજા ટેકેદારો સાથે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. આજે કમલમ્ ગાંધીનગરના ભાજપના મુખ્ય કાર્યાલય પર જઈને તેમણે ભાજપમાં જોડાવાની વિધિ પૂર્ણ કરી છે. જોકે જાણે હજુ પણ મનથી આપને છોડી શક્યા ન હોય તેમ તેમણે ભાજપના કમલમ કાર્યાલય પર બેસીને ભુલથી કહી દીધું કે AAP શ્રેષ્ઠ સંગઠન છે. જોકે બાદમાં પોતાની ભુલ સુધારી લીધી હતી. સ્વાભાવીક છે કે ત્રણ વર્ષના લાંબા સમય સુધી આમ આદમી પાર્ટીમાં કામ કર્યા પછી આવું થયું હોઈ શકે છે.

આપના પ્રવક્તા રહી ચુકેલા વી ડી ઝાલા પણ ભાજપમાં
આમ આદમી પ્રદેશના મંત્રી અને સંગઠન મંત્રી તરીકે તથા સૌરાષ્ટ્રમાં પણ આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી ચુકેલા રાજભા ઝાલાએ આજે કમલમમાં અક્ષયભાઈ અને વી ડી ઝાલા સહિતના સમર્થકો સાથે મળીને ભાજપમાં જોડાયા છે. વી ડી ઝાલા પણ આમ આદમી પાર્ટીમાં પ્રવક્તા તરીકેનો કાર્યભાર સંભળતા હતા તેઓ પણ તેમની સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે ખેસ તથા ટોપી પહેરીને તેઓ ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં એક જાણીતું નામ રાજભા ઝાલાનું રહ્યું છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભારતના ભવિષ્ય માટે પ્રધાનમંત્રી પરિશ્રમ કરી રહ્યા છે. એવા સમયે નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબુત કરવા રાજભા ઝાલા ભાજપમાં આવ્યા છે. તેમનું સ્વાગત કરું છુ. તે જે પાર્ટીમાં કામ કરતા હતા તેમના અનુભવો તેઓ આપણી સાથે શેર કરવાના છે. આમ આદમી પાર્ટી એ નકસલવાદનું સુધરેલું વર્ઝન છે, અફઝલની ફાંસી સામે પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા તેવા નેતાઓ આમ આદમી પાર્ટીને સમર્થન આપતા હતા.

રાજભા ઝાલાએ આપ કેમ છોડીઃ આવો જાણીએ તેમના શબ્દો
રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં દમદાર નેતાઓની હરોળમાં આવનારા નેતા છે. તેમણે કહ્યું કે, મારા માટે આજે ખુબ આનંદનો દિવસ છે. ઘણી વખત રાજનીતિમાં સંજોગો એવા નિર્માણ થતા હોય છે કે તમે જેમની સાથે લાગણીથી જોડાયા હોય તેમાં આવું થાય. ભાજપની કામ કરવાની અને કાર્યકર્તાઓ સાથે લાગણીથી જોડાવાની સિસ્ટમ મને પસંદ છે. મેં ભાજપ છોડ્યું તે સમયની બલીહારી કહીશું. હું આપમાં જોડાયો ત્યાં ગોપાલભાઈ, ઈશુભાઈ મારા પછી જોડાયા, રાજકોટ શહેરમાં વ્યક્તિગત મારી ઓળખથી મેં પાર્ટીને ઊભી કરી, કોર્પોરેશનની ચૂંટણી મારા નેતૃત્વમાં લડાઈ હતી. તે પછી પાર્ટીએ મને પ્રદેશ સંગઠન મંત્રી તરીકેની જવાબદારી આપી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરના ત્રણ જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી આપી હતી. સંગઠનનું કામ મારા માર્ગદર્શન તરીકે થયું હતું. ત્યારે પાર્ટીનું વ્યવસ્થિત નિર્માણ કરવાની, નવા લોકોને જોડવાની અને ચૂંટણીમાં કામ કરવાની વાત કરી હતી. કાર્યકર્તા સાથે ક્યારેય દ્રોહ નહીં કરીએ એવું કહેતા હતા. બે ત્રણ મહિના પહેલા સંદીપ પાઠકજી આવ્યા અને સંગઠન ડિઝોલ કરી નાખ્યું. જેમણે પાર્ટીનો ગુજરાતમાં પગપેંસારો કરવામાં કામ કર્યું તેમની જવાબદારી છીનવી લીધી. કાર્યકર્તાઓ ત્યાં ખુબ નારાજ છે. કાર્યકર્તાઓને સાંભળતું નથી, ટોચના નેતા પોત પોતાની બેઠકો લઈને બેસી ગયા છે. સામુહીક નિર્ણયો ભાજપમાં લેવાય છે તેવું આપણે કરવાનું મેં વાત કરી હતી પરંતુ તેવું કોઈ કરતું નથી. ગેરંટીકાર્ડ જે વધારે આપશે તેમને ટિકિટ આપવાની વાત કરી હતી. કાર્યકર્તાઓની લાગણીઓ સાથે ખેલ કરે છે.

કમલમમાં જ બેસી ભુલથી ઝાલા બોલ્યાઃ AAP શ્રેષ્ઠ સંગઠન
હું સ્વાભીમાની છું જે તે સમયે ભાજપમાં મારા વિસ્તારમાં આવું થયું હતું ત્યારે ભાજપ મેં છોડી દીધું હતું. તે સમયે સંજોગોને આધિન મેં આ નિર્ણય કર્યો હતો. હવે પાર્ટી નહીં બદલવાના સવાલ પર કહ્યું કે હવે હું પાર્ટી લગભગ નહીં બદલું. કદાચ હું ભાજપમાં સેટ થઈને જ રહીશ.અત્યારે વર્તમાન સમયમાં શ્રેષ્ટ કોઈ સંગઠન હોય તો આમ આદમી પાર્ટી છે, સોરી ભાજપ છે, આ મગજમાં ચાલતું હોયને એમાં આવી ગયું.

    follow whatsapp