- દીયા કુમારીના નામે અમદાવાદની મહિલાનો વીડિયો વાયરલ
- સોશિયલ મીડિયા પર યુઝર્સે કહ્યું- આ DyCM દિયા કુમારી છે
- તપાસમાં વીડિયો નિકિતાબા રાઠોડનો હોવાનું આવ્યું સામે
Viral News: કોઈ કાર્યક્રમ દરમિયાન તલવારબાજી કરતા જોવા મળી રહેલી મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દીયા કુમારી (Diya Kumari) છે. વાયરલ વીડિયોમાં ‘જો રામ કો લાયે હૈં’ અને ‘દેખો અવધ મેં’ જેવા ગીતો વાગી રહ્યા છે. આસપાસમાં ભગવા રંગના કપડાં પહેરેલા ઘણા લોકો પણ જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
‘આ રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી છે’
એક એક્સ યુઝરે આ વીડિયોને પોસ્ટ કરતા લખ્યું કે, ‘આ છે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દીયા કુમારીજી…ભારતની દરેક દીકરીમાં આ જોશ અને ઉત્સાહ હોવો જોઈએ.’
આવી જ બે પોસ્ટના આર્કાઇવ્ડ વર્ઝનને જોઈ શકાય છે.
નવભારત ટાઈમ્સે પોસ્ટ કર્યો વીડિયો
‘નવભારત ટાઈમ્સ’એ પણ આ વીડિયોને તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કર્યો છે. જેમાં ‘નવભારત ટાઈમ્સ’એ આ મહિલાને દિયા કુમારી ગણાવ્યા છે.
તપાસ
અમે જોયું કે કેટલાક લોકો વાયરલ વીડિયો પર કોમેન્ટ કરતા કહી રહ્યા છે કે ‘આ ગુજરાતના નિકિતાબા રાઠોડ છે.’ આ જાણકારીની મદદથી અમે ગૂગલ પર કીવર્ડથી સર્ચ કર્યું. અમને નિકિતાબા રાઠોડના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મળ્યા. તેમણે 22 જાન્યુઆરીએ ફેસબુક પર આ વીડિયોને પોસ્ટ કર્યો હતો.
ફેસબુક પર બીજો વીડિયો મળ્યો
અમને નિકિતાબાના ફેસબુક પેજ પર વાયરલ થયેલા વીડિયો જેવો જ બીજો વીડિયો મળ્યો. આમાં તેમણે એ જ ગુલાબી સાડી પહેરી છે અને એવી જ હેરસ્ટાઈલ બનાવી છે. વીડિયોમાં ભગવા રંગના કપડા પહેરેલી ઘણી મહિલાઓ પણ જોવા મળી રહી છે.
અમદાવાદના નરોડાનો છે વીડિયો
આ અંગે વધુ માહિતી મેળવવા અમે નિકિતાબાનો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, વાયરલ વીડિયો તેમનો જ છે. તેમણે વધુમાં કહ્યું કે, “આ વીડિયો 22 જાન્યુઆરીએ અમદાવાદના નરોડામાં આયોજિત એક કાર્યક્રમનો છે. વાસ્તવમાં, આ કાર્યક્રમમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને 11 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.”
ક્ષત્રિય સમાજના બાળકોને શીખવે છે તલવારબાજી
નિકિતાબા રાઠોડે જણાવ્યું કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી ક્ષત્રિય સમાજના બાળકોને તલવારબાજીની ફ્રીમાં ટ્રેનિંગ આપી રહ્યા છે. તેમણે અમને વાયરલ થયેલા વીડિયો જેવા બીજા વીડિયો પણ મોકલ્યા, જેને નીચે જોઈ શકાય છે.
ADVERTISEMENT