અમદાવાદ: હવામાન વિભાગની આગાહીને પગલે કેટલાય જિલ્લાઓમાં આજે વહેલી સવારથી ભર શિયાળે વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના વડોદરા, અરવલ્લી, પંચમહાલ તથા મહીસાગર સહિતના જિલ્લાઓમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ચોમાસા જેવો વરસાદી માહોલ છવાયો હતો. વરસાદના પગલે ખેડૂતોમાં વાવેતર કરેલા ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
ADVERTISEMENT
વડોદરા-આણંદમાં વરસાદી માહોલ
વડોદરાના સાવલી તાલુકામાં વહેલી સવારથી જ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ટુંડાવ, લામડાપુરા, પાલડી, લસુન્દ્ર સહિતના વિસ્તારોમાં વરસાદી માવઠાથી ખેડૂતો ચિતિત બન્યા છે. આણંદમાં પણ ઘણા વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે.
મહિસાગર જિલ્લામાં પણ માવઠું
મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લાના સંતરામપુર, ખાનપુર, વિરપુર, બાલાસિનોર, લુણાવાડા, કડાણા તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં વહેલી સવારે હળવો વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે જિલ્લામાં વાવેતર કરેલા બાજરી, મકાઈ, ચણા સહિતના પાકોને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ
જ્યારે પંચમહાલ, દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે ઠંડી સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. અચાનક વરસાદ આવવાથી ખેડૂતો ભયભીત બન્યા છે તેમનો પાક બગાડવાની ચિંતા છે. ઘઉંને તાપ મળવો જોઈએ તો પાણી મળી રહ્યું છે. અરવલ્લીમાં પણ મોડાસા પંથકમાં એકાએક કમોસમી વરસાદ શરૂ થયો છે. ભાવનગરમાં પણ અનેક વિસ્તારો વરસાદી ઝાપટાથી પાણી-પાણી થઈ ગયા હતા.
29મી જાન્યુઆરી પછી ફરી વધશે ઠંડી
બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, અમદાવાદ, આણંદ, ગાંધીનગરમાં પહેલાથી જ વરસાદની આગાહી આપી હતી. માવઠાના પગલે માછીમારોને 24 કલાક માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે 29મી જાન્યુઆરીથી ફરી એકવાર ઠંડીનો ચમકારો વધવાની આગાહી કરાઈ છે.
(વિથ ઈનપુટ: વીરેન જોશી, હિતેશ સુતરીયા, હેતાલી શાહ, શાર્દુલ ગજ્જર)
ADVERTISEMENT