રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા હાલમાં ઉત્તર પ્રદેશમાં છે. પરંતુ મંગળવારે થોડા કલાકો માટે આ યાત્રા પર વિરામ લાગવા જઈ રહ્યો છે. તેનું કારણ છે કે રાહુલ ગાંધીને 2018ના એક કેસમાં સુલ્તાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થવાનું છે.
ADVERTISEMENT
કોંગ્રેસના વિરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું કે, મંગળવારે સવારે ભારત જોડો ન્યાય યાત્રા થોડા કલાકો માટે અટકી જશે, કારણ કે રાહુલ ગાંધીને માનહાનિના એક કેસમાં સુલ્તાનપુરની સ્થાનિક કોર્ટમાં રજૂ થવાનું છે.
રાહુલ ગાંધી કોર્ટમાં થશે રજૂ
કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે ભારત જોડો ન્યાય યાત્રાને સોમવારે 37 દિવસ પૂરા થયા છે પરંતુ આ યાત્રા મંગળવારે સવારે થોડો સમય રોકાશે અને બપોરે 2 વાગ્યે અમેઠીના ફુરસતગંજથી ફરી શરૂ થશે. રાહુલ ગાંધી મંગળવારે સવારે 11 વાગે સુલતાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થઈ શકે છે.
શું છે 2018નો સમગ્ર મામલો?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2018ના એક કેસમાં 20 ફેબ્રુઆરીએ સુલતાનપુરની એમપી/MLA કોર્ટે સમન્સ પાઠવ્યું છે. રાહુલ ગાંધીએ 2018માં બેંગલુરુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારે ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ બાબતે વાત કરતા વિજય મિશ્રાએ કહ્યું કે જ્યારે આ ઘટના બની, ત્યારે હું ભાજપનો જિલ્લા ઉપાધ્યક્ષ હતો. રાહુલ ગાંધીએ બેંગલુરુમાં અમિત શાહને હત્યારા ગણાવ્યા હતા. જ્યારે મેં તેમના આરોપો વિશે સાંભળ્યું, ત્યારે મને ખૂબ જ દુઃખ થયું કારણ કે હું પાર્ટીનો કાર્યકર છું. મેં મારા વકીલ મારફત ફરિયાદ નોંધાવી અને આ મામલો છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહ્યો છે.
દોષિત સાબિત થશે તો રાહુલ ગાંધીને કેટલી સજા થશે?
વિજય મિશ્રાના વકીલ સંતોષ કુમાર પાંડેએ કહ્યું કે જો રાહુલ ગાંધી વિરુદ્ધ પૂરતા પુરાવા મળી જાય તો તેમને વધુમાં વધુ બે વર્ષની સજા થઈ શકે છે.
ADVERTISEMENT