અમદાવાદ: ગુજરાતભરમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે લાંબા સમયથી સરકારી કર્મચારીઓ માગણી કરી રહ્યા છે. આ માટે ઘણા આંદોલનો પણ થયા. પરંતુ હજુ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ OPS મુદ્દે તક ઝડપી ગુજરાતમાં તેમની સરકાર બનવા પર જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની ગેરંટી આપી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં જૂની OPS લાગુ કરવાની AAPની ગેરંટી
AAPના દિલ્હીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી આ મુદ્દે માહિતી આપી હતી. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, તમામ સરકારી કર્મચારીઓની જૂની પેન્શન સ્કીમને લાગુ કરવાની માંગ રહી છે. આ માગણીને લઈને તમામ સરકારી કર્મચારીઓએ મોટું આંદોલન કર્યું, આ આંદોલનનો અવાજ ભાજપ સરકારના અહંકારી અને ભ્રષ્ટ નેતાઓના કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ સરકારે તેમને ન સાંભળ્યા. કેજરીવાલે વાયદો કર્યો કે AAPની સરકાર બનશે તો તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમને લાગુ કરીશું. આ વાયદો માત્ર એક જુમલો નથી આ કેજરીવાલની ગેરંટી છે. આ ભાજપના 15 લાખ આવશે તે વાળી ગેરંટી નથી.
પંજાબમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરાઈ
તેમણે આગળ કહ્યું, આ ગેરંટીને માત્ર ગુજરાતને ચૂંટણીને લઈને આપવામાં આવી નથી. આ ગેરંટીને અમે પંજાબમાં લાગુ કરીને બતાવ્યું છે. AAPએ પંજાબમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરી છે. અમે એવા લોકો છીએ જે કહીએ છીએ તે કરીએ છીએ. આજે આ ગેરંટીને પૂરી કર્યા બાદ અમે ગુજરાતમાં 8 ડિસેમ્બરે AAPની સરકાર બનશે તો જૂની OPSને લાગુ કરવાની ગેરંટી આપીએ છીએ. નવી OPS ગેરફાયદાની વાત છે. આ નવી પેન્શન સ્કીમ ભાજપ જ લાવ્યું હતું. ત્યારે પણ ભાજપનો લોકોએ વિરોધ કર્યો હતો, આજે પણ વિરોધ કર્યો છે. આજે અમે આ નોટિફિકેશન જારી કરી રહ્યા છીએ. 18 નવેમ્બર 2022ની આ નોટિફિકેશન પંજાબ સરકારની છે. ત્યારે પંજાબમાં OPS લાગુ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ સરકાર બનવા બાદ AAP OPS લાગુ કરશે.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે,આ વાયદો અન્ય પાર્ટીઓ પણ કરી રહી છે. પરંતુ હું ગુજરાતના મતદાતાઓને સાવધાન કરવા ઈચ્છું છું, બીજી જે પાર્ટીઓ આ વાત કરે છે તેમને સવાલ પૂછે કે અન્ય રાજ્યોમાં તમારી સરકાર છે, ત્યાં તમે ત્યાં OPS લાગુ કરી છે?
ક્રિમિનલ કેસ ધરાવતા ઉમેદવાર વિશે આપ્યું નિવેદન
AAPના સૌથી વધુ ઉમેદવારો સામે ગુનાહિત કેસ હોવાની વાત પર રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના લોકો જનતા માટે સંઘર્ષ કરે છે. AAPના લોકો આંદોલન કરે છે, મેં પણ ઘણા આંદોલન કર્યા જનહિતમાં લોકોનો અવાજ ઉઠાવ્યો, રસ્તા પર પોલીસની લાકડી ખાધી. મારા પર પણ ઘણા કેસો ચાલી રહ્યા છે. વાત આજે ભાજપના ચરિત્રની છે. ભાજપ ભ્રષ્ટ, અહંકારી સરકાર ગુજરાતમાં ચલાવી રહી છે. જેનો પર્દાફાશ મોરબીના દર્દનાક ઘટનાએ કર્યો. જેમાં સ્પષ્ટ થઈ ગયું કે, ઉપરથી નીચે સુધી ભાજપના લોકો ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. AAP આવશે તો આવા ગુનેગારો પર કેસ દાખલ કરશે અને તેમને જેલમાં નાખશે.
ADVERTISEMENT