અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં ગયેલા MLAનો પબ્લિકે ઊધડો લીધો, કહ્યું- 5 વર્ષમાં ક્યારેય દેખાયા નથી

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. જોકે ઘણી જગ્યાએ ધારાસભ્યો માત્ર મત માગવા આવે ત્યારે જ દેખાતા હોવાથી સ્થાનિક લોકો દ્વારા…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. જોકે ઘણી જગ્યાએ ધારાસભ્યો માત્ર મત માગવા આવે ત્યારે જ દેખાતા હોવાથી સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાતો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ વચ્ચે અમદાવાદમાં પણ કોંગ્રેસના ધારાસભ્યને આવો જ કડવો અનુભવ થયો છે.

દાણીલિમડાના ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં પહોંચ્યા હતા
કોંગ્રેસના દાણીલીમડા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમાર પોતાના મત ક્ષેત્રમાં મત માગવા માટે પહોંચ્યા હતા. આ માટે દાણીલિમડા કોંગ્રેસના કાર્યકર્તાનું સંમેલન યોજ્યું હતું. જેમાં સ્થાનિક લોકોએ જ ધારાસભ્યનો જાહેરમાં વિરોધ કર્યો હતો, સાથે જ આક્ષેપ કર્યો હતો કે ધારાસભ્ય છેલ્લા પાંચ વર્ષમાં દેખાયા જ નથી.

 

સ્થાનિકે સ્ટેજ પર જ ધારાસભ્યને કર્યા સવાલ
સ્ટેજ પર જ એક સ્થાનિક વ્યક્તિ ધારાસભ્ય સામે ઊભા રહીને સવાલ પૂછે છે કે, 5 વર્ષ થઈ ગયા શૈલેષ ભાઈ, ક્યારેય કોઈ રાઉન્ડ લીધો હોય અથવા પ્રજાની વચ્ચે આવ્યા હોય, આવું કંઈ કામ કર્યું હોય તો હું શૈલેષભાઈને સવાલ કરું છું. ઘણા લોકોને ખોટું લાગશે કે રીઝવાનભાઈ સ્ટેજ પર આવીને આવું કેમ બોલી રહ્યા છે.મેં પાંચ વર્ષ પહેલા પણ શૈલેષભાઈનો વિરોધ કર્યો હતો, પરંતુ તેમણે વચન આપ્યા હતા, તેમાંથી એકપણ વાયદો પૂરો કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે, નેતાજી ચૂંટણી ટાણે તો પ્રજાને જાત જાતના વચનો અને વાયદાઓ કરતા હોય છે, ક્યારેક મતદારોના ઘરે જઈને જમશે, ક્યારેક તેમના હાથે પાણી પીશે, પરંતુ ચૂંટણી પૂરી થતા જ જાણે તેમની ગરજ પૂરી થઈ ગઈ હોય તેમ પછી મોઢું બતાવવા પણ ફરકતા નથી. ત્યારે હવે લોકોપણ નેતાઓને સવાલ પૂછતા થયા હોય તેમ લાગી રહ્યું છે.

    follow whatsapp