ધનેશ પરમાર/બનાસકાંઠા: દિયોદરમાં આજે ભાજપના ‘નમો પંચાયત’ કાર્યક્રમમાં ભારે હોબાળો થયો હતો. આઝાદ ચોક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતો અને ગૌ પ્રેમીઓએ હોબાળો મચાવ્યો હતો. સરકાર દ્વારા ગાય માટે રૂ. 500 કરોડની સહાય ન ચૂકવતા નારાજ ગૌપ્રેમીઓ વિફર્યા હતા અને ખુરશીઓ ઉછાળી હતી.
ખેડૂતોએ પણ ભાજપના કાર્યક્રમમાં વિરોધ કર્યો
બીજી તરફ લાંબા સમયથી પોતાની પડતર માગણીઓને લઈને આંદોલન કરી રહેલા ખેડૂતોએ પણ કાર્યક્રમ સ્થળે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. સમગ્ર બનાવને પગલે પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જે બાદ હાલ પૂરતો ભાજપનો નમો કાર્યક્રમ સ્થગિત કરાયો છે.
ગઈકાલે કચ્છમાં ભાજપના કાર્યક્રમનો વિરોધ થયો હતો
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કચ્છમાં પણ કચ્છનાં માંડવી તાલુકાના લાયજા ગામ ખાતે ભાજપ કિસાન મોરચા દ્વારા નમો કિસાન પંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ હિતેશ પટેલ સહિત સ્થાનિક ભાજપ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેવામાં કાર્યક્રમના શરૂ થવાની સાથે જ ખેડૂતોએ ભાજપના નેતાઓને આકરા સવાલો પૂછ્યા હતા.
જોત જોતામાં મુદ્દો એટલો ગરમાયો કે ખેડૂતો ભાજપના નેતાઓ પર ગુસ્સે થઈ ગયા હતા. જોકે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરીને ભાજપ નેતાઓને રીતસરના ચાલુ કાર્યક્રમમાંથી ભગાડી દીધા હતા. આ દરમિયાન નેતાઓ પણ ખેડૂતોનો ગુસ્સો જોઈએ ગભરાઈ ગયો હોય એમ લાગ્યું અને તેઓ સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા.