દિગ્વિજય પાઠક/વડોદરા: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણેની આગામી ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં સપડાઈ છે. ફિલ્મમાં દીપિકાએ સોન્ગમાં પહેરેલી ‘ભગવા બિકિની’ પર વિવાદ થયો હતો, જે બાદ દેશભરમાં ઘણી જગ્યાએ હિન્દુ સંગઠનો અને સાધુ-સંતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે વડોદરામાં થિયેટરમાં લાગેલા ‘પઠાણ’ ફિલ્મના પોસ્ટરો હિન્દુ જાગરણ મંચ દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
થિયેટરમાં જઈને પોસ્ટર ફાડતો વીડિયો વાઈરલ
પઠાણ ફિલ્મને લઈને જે વિવાદ સર્જાયો છે તે બાદ હિન્દુવાદી સંગઠનોએ આ ફિલ્મ રિલીઝ ન થવા દેવાની જાહેરાત કરી છે. વડોદરામાં હિંદુ જાગરણ મંચના આગેવાનોએ મલ્ટિપ્લેક્સમાં જઈ આ ફિલ્મ થોડા જ દિવસોમાં મલ્ટિપ્લેક્સમાં આવી રહી હોવાના લગાવવામાં આવેલા પોસ્ટરો દૂર કર્યા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પઠાણ ફિલ્મનો વિરોધ કરતાં એક યુવક પોસ્ટરો હટાવતાં જોવા મળી રહ્યો છે. પોસ્ટર હટાવીને ફાડીને તેને કચરાપેટીમાં ફેંકી દે છે.
સુરતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદે કર્યો હતો વિરોધ
નોંધનીય છે કે, આ પહેલા સુરતમાં પણ પઠાણ ફિલ્મના વિવાદસ્પદ ગીત અને પોશાક અત્યારે વિરોધ કરવામાં આવ્યો હતો. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પોસ્ટર પર પઠાણ ફિલ્મ રિલિઝ ન થાય એવી માગ સાથે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. આની સાથે તેમણે ફિલ્મના ડિરેક્ટર, પ્રડ્યુસર અને અભિનેતા સામે કડક પગલા ભરવા અપીલ કરી હતી.
ADVERTISEMENT