વડોદરા/રાજકોટ/મોરબી/સુરત: પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ જરદારી ભુટ્ટો તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણ બાદ ભાજપના કાર્યકરો દ્વારા ગુજરાતમાં વિવિધ જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ, વડોદરા, મોરબી તથા મહિસાગર સહિતના જિલ્લાઓમાં બિલાવલ ભુટ્ટોના પુતળા અને તસવીરો ભાજપના કાર્યકરોએ સળગાવ્યા હતા અને પાકિસ્તાન હાય, હાયના નારા લગાવ્યા હતા.
ADVERTISEMENT
પાટીલના પાકિસ્તાન પર ચાબખા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે સુરતમાં બિલાવલ ભુટ્ટો વિશે નિવેદન આપતા કહ્યું હતું કે, પાકિસ્તાન ભિખારી છે. તે ભિખારી કરતા પણ વધારે ખરાબ સ્થિતિમાં આવી ગયું. પોતાના દેશના ગધેડાઓને વેચીને ગુજરાન ચલાવે છે. એથી પાકિસ્તાનને ડંખ લાગ્યો છે. પાડોશી દેશ મજબૂત હોવો જોઇએ પરંતુ કમનસીબે આ દેશ આતંવાદીઓને પ્રોત્સાહન આપી રહ્યો છે.
વડોદરા-મોરબીમાં વિરોધ
વડોદરામાં ભાજપના કાર્યકરો બિલાવલ ભુટ્ટોના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતા. PM મોદી પર કરાયેલી ટિપ્પણીના વિરોધમાં ભાજપના જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ સહિત કાર્યકરોએ ભુટ્ટોનું પૂતળા દહન કર્યું હતું અને પાકિસ્તાન માફી માગે તેવી માંગણી કરી હતી. મોરબીમાં પણ પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોના પૂતળાનું દહન કરાયું હતું. મોરબીમાં નવા બસ સ્ટેન્ડ સામે મોરબી અને ટંકારાના ધારાસભ્ય સહિતના ભાજપના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું અને પાકિસ્તાન હાય… હાય… અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા.
રાજકોટ, મહીસાગર, પોરબંદરમાં પણ ભારે વિરોધ
જ્યારે રાજકોટમાં શહેર ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો અને ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરીને બિલાવલ ભુટ્ટોનું પુતળું બાળવામાં આવ્યું હતું. મહિસાગર જિલ્લા તથા પોરબંદરમાં પણ ભાજપના અગ્રણીઓએ ભુટ્ટોના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતા.
કેમ થઈ રહ્યો છે બિલાવલ ભુટ્ટોનો વિરોધ
નોંધનીય છે કે, પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ જરદારી ભુટ્ટો ન્યૂયોર્કમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તમામ હદો પાર કરી દીધી હતી. ભારતના વિદેશમંત્રી તરફથી 9/11ના માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેનને પનાહ આપવાની ટિપ્પણી પર પાકિસ્તાનના મંત્રીએ ભારતના પ્રધાનમંત્રી વિશે કહ્યું કે, હું ભારતને કહેવા ઈચ્છું છું કે ઓસામા બિન લાદેન તો મરી ગયો છે, પરંતુ ‘ગુજરાતનો કસાઈ’ હજુ પણ જીવે છે અને ભારતના પ્રધાનમંત્રી છે. જેને લઈને દેશભારમાં બિલાવલ વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક, રાજેશ આંબલિયા, નિલેશ શિશાંગીયા, વિરેન જોશી, અજય શીલુ, સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT