અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વતન ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે તે અમદાવાદ ખાતે મોદી શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કર્યું હતું આ દરમિયાન તેમણે કહ્યું કે, વિશ્વમાં જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે એ જ સમાજ આગળ આવ્યો છે. રાજ્યના મોદી સમાજે આ વાતને પ્રાધાન્ય આપીને સમાજના બાળકો માટે હોસ્ટેલની સુવિધા ઊભી કરતું શૈક્ષણિક સંકુલ નિર્માણ કર્યું છે તે સાચી દિશામાં રસ્તો છે. સાથે-સાથે આજ રસ્તે સમાજ કલ્યાણની દિશાઓ ખુલવાની છે.
ADVERTISEMENT
આજે સમાજના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે, ગઇકાલે તેમણે મોઢેશ્વરી માતાના દર્શન કર્યા હતા આજે સમાજ દેવતાના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. મારા માટે પણ સમાજના ચરણોમાં આવવું અને સમાજના આર્શીવાદ લેવા એ ધન્ય ઘડી છે. મોદી સમાજ અંત્યત સામાન્ય જીવન જીવતો નાનો સમાજ છે. તેમ છતાંય સંકુલ નિર્માણનું ભીગરથ કાર્ય સમાજના સહયોગથી પૂર્ણ થયું છે એ અભિનંદનીય છે. સાથે-સાથે સમાજે એક ચોક્કસ લક્ષ્ય સાથે આ કામ પૂર્ણ કર્યું છે તે સાચી દિશાનું પગલું છે.
સમાજે મને મોટો ટેકો અને તાકાત આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિસ્ત અને સૌમ્યતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ એવો સમાજ છે જે ક્યારેય કોઇને નડ્યો નથી. સંગઠન જ મોટી શક્તિ છે તે વાત આજે સમસ્ત મોદી સમાજે પુરવાર કરી છે. રાજ્યમાં લાંબા સમય સુધી મુખ્યમંત્રીપદે રહ્યા અને બે વખત વડાપ્રધાન પદે રહ્યા તેમ છતાંય સમાજની એક પણ વ્યક્તિ મારી પાસે કોઇ પણ કામ લઇને આવી નથી. એના દ્વારા સમાજે મને મોટો ટેકો અને તાકાત આપી છે. સાથે-સાથે મારો પરિવાર અને મારો સમાજ મારાથી દૂર રહ્યા છે એટલે વ્યક્તિગત રીતે મારા માટે આજે સમાજના ઋણ સ્વીકારનો અવસર છે. આ સમાજને હું આદરપૂર્વક વંદન કરું છું.
હુન્નરવાળાની તાકાત વધવાની
સિંગાપોરમાં ત્યાના વડાપ્રધાને તેમના વિસ્તારમાં બનાવેલી એક નાની આઇ.ટી.આઇ.નો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ આઇ.ટી.આઇ.માં કૌશલ્ય વર્ધનને અગ્રિમતા આપી છે. આજ રીતે આપણે ત્યાં પણ આજના યુવાનો શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બને તે ઇચ્છનીય તો છે જ પરંતુ બાળકોના કૌશલ્ય વર્ધનને પણ આપણે ચોક્કસ આકાર આપવો પડશે. હુન્નર હશે તો ક્યારેય પાછા વળીને જોવું નહીં પડે એ સર્વ સત્ય છે. ત્યારે આગામી સમયમાં ડિગ્રીવાળા કરતા હુન્નરવાળાની તાકાત વધવાની છે એ પણ એટલું જ સત્ય છે. શ્રમની પ્રતિષ્ઠા જ પ્રગતિનું ઔષધ છે. આવનારી પેઢી શ્રમ-કૌશલ્યના પગલે જ વધુ પ્રગતિ કરી શકશે.
ADVERTISEMENT