વડોદરા: રાજ્યભરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રસ્તા પર રખડતા ઢોરના કારણે રાહદારીઓ સાથે વાહન ચાલકો પણ ત્રસ્ત થઈ ગયા છે. એવામાં વડોદરામાં ગાયની અડફેટે દુનિયામાં પણ ન આવેલા માસુમનો ભોગ લેવાયો છે. એક પ્રેગ્નેટ મહિલાને ગાયે શિંગડે ચડાવતા ગર્ભમાં રહેલા શિશુનું મોત નિપજ્યું છે. ઘટના બાદ મહિલાનો પરિવાર હવે શોકમાં ગરકાવ થઈ ગયો છે.
ADVERTISEMENT
બાળકીને બચાવવા ગયેલી સગર્ભાને ગાયે ફંગોળી
શહેરના સલાટવાડા વિસ્તારમાં એક નાની બાળકીને ગાય મારતી હતી. ત્યારે બાળકીને બચાવવા દોડી ગયેલી સગર્ભા મહિલાને ગાયે ફંગોળી હતી. આ હુમલામાં મહિલાને પેટ તથા શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં શિશુનું ગર્ભમાં જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
જેતપુરમાં પણ આખલાની અડફેટે વૃદ્ધનું મોત થયું હતું
નોંધનીય છે કે, સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરના હુમલાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ જેતપુરમાં પણ લાકડી લઈને આખલાને મારવા જતા શિંગડે ચડાવેલા વૃદ્ધનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. થોડા સમય પહેલા જ અમદાવાદમાં પણ રસ્તા વચ્ચે ઊભેલી ગાય સાથે બાઈક સવાર અથડાઈને નીચે પડ્યો હતો. જે બાદ પાછળથી આવતા ટ્રકના ટાયર ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT