અમરેલી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. આ વચ્ચે રાજનેતાઓ પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. એવામાં અમરેલી જિલ્લામાં સાવરકુંડલા લીલિયા વિધાનસભાથી કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દૂધાતના આક્રમક અંદાજનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ ભાજપના એજન્ટ બનીને કામ કરતા પોલીસ કર્મચારીને ખુલ્લી ધમકી આપી રહ્યા છે.
ADVERTISEMENT
પ્રતાપ દૂધાતની નામ લીધા વગર પોલીસને ચીમકી
પ્રતાપ દૂધાત કહે છે કે, પોલીસ પણ આપણી સામે છે. 1લી તારીખ 5 વાગ્યા સુધી પોલીસની છે આ પછી પ્રતાપ દૂધાતની છે. જે પોલીસ મને નુકસાન કરવાનું વિચારી રહ્યા છે. ભાજપના એજન્ટ બનીને કામ કરી રહ્યા છે, તે પોલીસને મીડિયા મારફતે કહેવા માગું છું, શાનમાં સમજી જજો. વણજારાના દિવસો તમે જોયા છે. સાબરમતીમાં કેટલાયને સડતા જોયા છે. તમારાથી થાય એટલું મારું નુકસાન કરી લેજો. પરંતુ મારા હાથમાં ધોકો આવ્યો તે’દી તમારી ખાખી વરદી પર ડાઘ ન લગાડું તો મારું નામ પ્રતાપ દૂધાત નહીં.
ભાજપ માટે કામ કરતા અધિકારીઓને ચીમકી
તેમણે આગળ કહ્યું કે, મેં પાંચ વર્ષમાં પ્રેમ સિવાયની રાજનીતિ નથી કરી. પરંતુ જ્યારે અધિકારીઓ ભાજપના એજન્ટ બની જતા હોય તો તેની ઔકાત બતાવવી મારો હક અને ધર્મ છે.એ વ્યક્તિઓ સ્પેશ્યલ અહીં કુંડલામાં મૂકાયા છે. ભાજપના મત ગોતવા માટે, ભાજપના એજન્ટ બનીને કામ કરો, પણ એકવાર એરું એ ડંખ માર્યો તો બચી જશે પણ મારા ડંખથી તમારી આવતી ત્રણ પેઢીને હું નહીં બચવા દઉં.
ADVERTISEMENT