અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે. આ સાથે તંત્ર દ્વારા ચૂંટણી કામગિરિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ચૂંટણી શાંતિથી સંપન્ન થાય તે માટે કામગિરિ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણીના કામમાં રોકાયેલા સાણંદના પ્રાંત અધિકારીએ ફ્લેટમાંથી નીચે પડતું મુકીને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગયો છે. ડેપ્યુટી કલેક્ટર એવા સાણંદના પ્રાંત અધિકારીએ અચાનક કેમ આત્મહત્યા કરી તે ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
વહેલી સવારે પોલીસને માહિતી મળી હતી કે ફ્લેટમાંથી એક વ્યક્તિએ પડતું મુકીને આત્મહત્યા કરી છે. પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતાં આત્મહત્યા કરનાર વ્યક્તિ સાણંદના પ્રાંત અધિકારી આર.કે.પટેલ હોવાનું ખુલ્યું હતું. આપઘાતનું કારણ અકબંધ છે. સાણંદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચૂંટણીનું કામમાં હતા સતત વ્યસ્ત
સુત્રોએ કહ્યું હતું કે પ્રાંત અધિકારી રાજેન્દ્ર કેશવલાલ પટેલની સાણંદના રિટર્નીંગ ઓફિસર તરીકે નિમણુંક થઇ હતી. તેઓ સોમવારે રાત્રે અઢી વાગ્યા સુધી ચૂંટણીની કામગિરી સાથે રોકાયેલા હતા. જો કે ત્યારબાદ તેમણે અચાનક આ પગલું કેમ ભર્યું તે વિશે હજુ સુધી કોઇ જાણકારી મળી શકી નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
અગાઉ અંબાજી મંદિરના વહિવટદાર હતા
પ્રાંત અધિકારી આર.કે.પટેલ અગાઉ અંબાજી મંદિરમાં વર્ષો સુધી વહિવટદાર તરીકે ફરજ બજાવતા હતા અને થોડા સમય પહેલાં તેમને સાણંદમાં પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી હતી. આર.કે.પટેલ ડિપ્રેશનમાં હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. પોલીસ હાલ આ ઘટનાની તપાસ કરી રહી છે. અંબાજી મંદિરમાં 2017 માં 11 મહિના ફરજ બજાવી હતી ત્યારે તેઓ પાલનપુર પ્રાંત હતા. ત્યારબાદ 2022 માં ફેબ્રુઆરી મહિનામાં પાલનપુર ખાતે જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવા આવ્યા ત્યારે તેમને બીજી વખત અંબાજી મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ આપવામાં આવ્યો હતો. 12 તારીખના રોજ તેઓ અંબાજી મંદિર ખાતે છેલ્લી વખત આવ્યા હતા.
વિથ ઈનપુટ: શક્તિસિંહ રાજપૂત, અંબાજી