ચૂંટણી પહેલા વધુ એક સમાજ મેદાનમાં, ભાજપ પાસેથી વધુ ટિકિટો આપવાની માગણી કરી

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ વિવિધ સમાજો રાજકીય પક્ષો પાસેથી તેમના સમાજના આગેવાનોને વધુમાં વધુ ટિકિટ મળે તેની માગણી કરી રહ્યા છે. ત્યારે…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ વિવિધ સમાજો રાજકીય પક્ષો પાસેથી તેમના સમાજના આગેવાનોને વધુમાં વધુ ટિકિટ મળે તેની માગણી કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રજાપતિ સમાજે ભાજપ પાસે વધુમાં વધુ ટિકિટ આપવાની માગણી કરી છે. આ અંગે સી.આર પાટીલને રજૂઆત કરવામાં આવી છે.

પ્રજાપતિ સમાજે પાટીલને કરી રજૂઆત
ગઈકાલે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા સંગઠનના માધ્યમથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને પ્રજાપતિ સમાજે આ ચૂંટણીમાં વધુમાં વધુ ટિકિટ તેમના સમાજના દાવેદારોને આપવાની રજૂઆત કરવામાં આવી હતી. પ્રજાપતિ સમાજની ગુજરાતમાં અંદાજે 35 લાખ જેટલી વસ્તી છે. એવામાં પ્રજાપતિ સમાજના મતદારો આ ચૂંટણીમાં કોઈપણ પક્ષ માટે હાર-જીતમાં મોટો ભાગ ભજવી શકે છે. ત્યારે જોવાનું રહેશે કે ભાજપ દ્વારા પ્રજાપતિ સમાજની આ માગણી પર શું નિર્ણય લેવામાં આવે છે.

મૂરતિયાઓના નામ ફાઈનલ કરવા ભાજપમાં બેઠકોનો ધમધમાટ
ચૂંટણી જાહેર થયા પછી હવે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે. તેવામાં ચૂંટણીલક્ષી વિવિધ તૈયારીઓ અને પસંદગીને લઈને અહીં મંથન થઈ શકે છે. ગઈકાલે જ ભાજપની ‘પ્રદેશ ચૂંટણી પસંદગી સમિતિ’ની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, મનસુખભાઈ માંડવિયા સહિત પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં છે.

અગાઉ અન્ય કયા સમાજોએ ટિકિટની કરી હતી માગણી?
ઉલ્લેખનીય છે કે, પ્રજાપતિ સમાજ પહેલા અન્ય કેટલાક સમાજો પણ તેમના સમાજના પ્રતિનિધિઓ માટે તમામ પક્ષો પાસેથી ટિકિટની માગણી કરી ચૂક્યા છે. થોડા સમય પહેલા જ ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં 50 બેઠકો પર પાટીદાર ઉમેદવારોનો ટિકિટ મળે તેવા અમે પ્રયાસ કરીશું. જ્યારે કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષે ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી 25થી 30 બેઠકો પર વિવિધ પક્ષો પાસે ટિકિટની માંગ કરી હતી. આ બાદ કોળી સમાજે પણ 72 બેઠકો પરથી ટિકિટની માગણી કરી હતી.

    follow whatsapp