ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે. ચૂંટણી માટે ભાજપ આજે તેમના ઉમેદવારોની જાહેરાત કરવાની છે. જોકે આ પહેલા જ અલ્પેશ ઠાકોરને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાધનપુરમાં ભાજપના સ્થાનિક આગેવાનો દ્વારા અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવા પર વિરોધ કરાઈ રહ્યો હતો, આ વચ્ચે હવે ગાંધીનગરમાં પણ અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે.
ADVERTISEMENT
અલ્પેશ ઠાકોરનો ગાંધીનગરની દક્ષિણ બેઠક પર વિરોધ
ગાંધીનગરની દક્ષિણ વિધાનસભામાં જાહેરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે અને તેમને આ બેઠક પરથી ટિકિટ આપવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટરમાં લખ્યું છે કે, ભાવી મુખ્યમંત્રી અલ્પેશજી ઠાકોર, આયાતી ઉમેદવાર. અમારી 35 ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં તમારી કોઈ જરૂર નથી. તમારા માટે રાધનપુર બરાબર છે. આવશો તો લીલા તોરણે ઘરે જવાની તૈયારી રાખજો.
અગાઉ રાધનપુરમાં પણ થયો હતો વિરોધ
નોંધનીય છે કે, અલ્પેશ ઠાકોરને અગાઉ રાધનપુરથી ટિકિટ મળવાના સંકેત સી.આર પાટીલ આપી ચૂક્યા છે. જોકે રાધનપુરમાં પણ અલ્પેશ ઠાકોરનો ભાજપના જ આગેવાનો તથા પૂર્વ ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમને આયાતી ઉમેદવાર બતાવી કોઈ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગણી કરવામાં આવી રહી છે. ઉપરાંત ભાજપના જ આગેવાનોનું આ મામલે સંમેલન પણ મળ્યું હતું, જેમાં અલ્પેશ ઠાકોરને ટિકિટ મળી તો રાધનપુરમાંથી હરાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે હવે ગાંધીનગરની દક્ષિણ બેઠક પર પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. તેવામાં હવે જોવાનું રહેશે કે આજે જાહેર થનારી યાદીમાં અલ્પેશ ઠાકોરનું નામ જાહેર કરવામાં આવે છે કે કેમ.
ADVERTISEMENT